ટીવીનો સુપરહિટ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી સતત વિવાદમાં છે. છેલ્લા ૧૪ વર્ષથી મનોરંજન કરી રહેલા આ શોના દર્શકોના ઘણા મનગમતા સ્ટાર્સે શો છોડી દીધો છે. અચાનક પોતાના ફેવરેટ સેલેબ્સના જવાથી દર્શક નિરાશ છે અને શોની ટીઆરપી પણ ડાઉન થઈ ગઈ છે. આ દરમિયાન હાલમાં શોમાં નવા તારક મહેતાની એન્ટ્રી થઈ છે જેને દર્શકો પસંદ નથી કરી રહ્યા. આ રોલને હવે એક્ટર સચિન શ્રોફ નિભાવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સારા લોકપ્રિય સ્ટાર્સે તારક મહેતા શો છોડી દીધો છે. તેના પછી ઘણી પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ હવે શોના પ્રોડ્યુસર આસિત મોદીએ આ કલાકારોના જવા પાછળનું સાચું કારણ બધાની સામે રાખ્યું છે. શોના પ્રોડ્યુસર આસિત મોદીએ સતત શો છોડીને જઈ રહેલા કલાકારોને લઈને પોતાનું મૌન તોડ્યું છે.
મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં આસિત મોદીએ કહ્યું કે, અમે છેલ્લા ૧૪ વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યા છીએ અને ૧૫મા વર્ષમાં એન્ટ્રી કરવાના છીએ. આ વખતે અમે નવી કહાનીઓ અને આઈડિયા પર કામ કરી રહ્યા છે. મારા માટે મારી આખી ટીમ એક પરિવારની જેમ છે જ્યારે પણ કોઈ છોડીને જાય છે તો મને દુઃખ થાય છે. હું નથી ઈચ્છતો કે લોકો શો છોડીને જાય. પ્રોડ્યુસરે આગળ કહ્યું, તારક મહેતા શો કોઈ ડેલી સોપ નથી. દરેકની પોતાની જરૂરિયાત હોય છે. તેથી હું કોઈને દોષિત નથી ઠેરવતો. હું ક્યારેક તેમની જરૂરિયાતો પણ પૂરી કરી શકતો નથી.જીવનમાં બદલાવ જરૂરી છે અને આપણે આ બદલાવને પોઝિટિવ રીતે લઈને શોને અલવિદા કહી રહેલા લોકોને શુભેચ્છા અને આશીર્વાદ આપવા જોઈએ. એટલું જ નહીં તારક મહેતા શોના પ્રોડ્યુસરે શોમાં નવા દયાબેનની એન્ટ્રી પર પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, જૂની દયાબેન એટલે કે દિશા વાકાણીની શોમાં વાપસી થશે કે નહીં? આસિત મોદીએ કહ્યું, દયા ભાભીના રોલમાં વાપસી એક ક્યારેય ન સમાપ્ત થતી ચર્ચા જેવી બની ગઈ છે.
દયાનો રોલ એવો છે કે શોના પ્રશંસકો આજે પણ તેને ભૂલી શક્યા નથી. દિશાએ શોને અલવિદા કહી દીધું છે પરંતુ લોકો આજે પણ દયાબેનની રાહ જોઈ રહ્યા છે. હું તેમની ઘણી રિસ્પેક્ટ કરું છું. મેં આખા કોરાના કાળમાં તેમની રાહ જોઈ હતી અને આજે પણ જોઉં છું. જો તે શોમાં વાપસી કરશે તો તે એક ચમત્કાર જ હશે. તમને જણાવી દઈએ કે તારક મહેતા શોમાંથી અત્યાર સુધી લીડિંગ સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું છે. શોમાંથી શૈલેષ લોઢા, દિશા વાકાણી, રાજ અનડકટ, મોનિકા ભદોરિયા, મિસ્ટર સોઢી ઉર્ફ ગુરુચરણ સિંહ અને અંજલી ભાભી ઉર્ફે નેહા મહેતાએ પણ શોને છોડી દીધો છે.