નવી દિલ્હીઃ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં શરૂ થઈ હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણી અને આ વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કારોબારીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, નાણા મંત્રી અરુણ જેટલી, વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ ભાજપ હોદ્દેદારોની બેઠક પણ મળી હતી. જેમાં તમામ રાજ્યોમાં ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમિત શાહે ભાજપને પ્રચંડ બહુમતી સાથે ચૂંટણી જીતાડવાની ફરી એકવાર વાત કરી હતી. ભાજપે ચૂંટણનીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અમિત શાહ ભાજપ પ્રમુખ તરીકે હાલ અકબંધ રહેશે. સંગઠન ચૂંટણીને ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમિત શાહ ચૂંટણી સુધી પાર્ટી પ્રમુખ તરીકે રહેશે. તેમની ત્રણ વર્ષની અવધિ આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થઈ રહી છે. સૂત્રોના કહેવા મુજબ લોકસભા ચૂંટણી યોજવામાં આવ્યા બાદ કેટલાક મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. લોકસભાની ચૂંટણી માર્ચ અથવા એપ્રિલમાં યોજાઈ શકે છે. આવી સ્થિતિમાં ભાજપ નવી ટીમ સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છુક નથી. જેથી વર્તમાન ટીમને જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાજપની ત્રણ દિવસીય રાષ્ટ્રીય કારોબારીની શરૂઆથ થઈ હતી. ઉદ્ઘાટન સત્રમાં સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે અમે ૨૦૧૯માં સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવીને આગળ વધવા તૈયાર છીએ. સંકલ્પની શક્તિને કોઈપણ પરાજિત કરી શકે તેમ નથી. રાષ્ટ્રીય કારોબારીની આ બેઠકમાં પાર્ટીએ અજય ભાજપનો નારો આપ્યો હતો. આ બેઠકમાં તમામ હોદ્દેદારો સહિત રાજ્યોના પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના ઉદ્ઘાટન સત્રમાં પાંચ રાજ્યો માટે તૈયારીમાં લાગી જવા માટે કહેવામાં આવ્યું હતું. ભાજપ પ્રમુખ અમિત શાહે તેલંગાણામાં પણ પાર્ટી સારો દેખાવ કરશે તેવો દાવો કર્યો હતો. બપોરે કારોબારીની બેઠક શરૂ થઈ હતી. કારોબારી પહેલા અમિતા શાહે સવારે રાષ્ટ્રીય હોદ્દેદારો અને રાજય અધ્યક્ષો અને સંગઠન મહામંત્રીની સાથે બેઠક યોજી હતી. રાષ્ટ્રીય કારોબારીના એજન્ડામાં છેલ્લી કારોબારીની બેઠકો પર ચર્ચા થઈ હતી. બપોરે કારોબારીની બેઠક શરૂ થઈ હતી. તેલંગાણામાં સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડવાનો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.