અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેઓ અમદાવાદમાં ૪ કિમી લાંબો મેગા રોડ શો પૂર્ણ કર્યો હતો. લોકસભાની ચૂંટણી માટે અમિત શાહે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી હતી. શાહે પોતાના ઉમેદવારી ફોર્મમાં ચૂંટણી નિયમોનુસાર, પોતાની તમામ મિલકતોના આંકડા જાહેર કર્યા હતા. જે ઘણા ચોંકાવનારા અને આશ્ચર્ય પમાડનારા હતા. અમિત શાહે પોતાના ઉમેદવારી ફોર્મમાં આપેલ માહિતી અનુસાર, તેમની પાસે રૂ.૩ કરોડ, ૮૫ લાખની સ્વોપાર્જિત જંગમ મિલકત છે. તો, રૂ.૧૦ કરોડ,૩૮ લાખની વારસાગત જંગમ મિલકત છે.
શાહે તેમની પાસે રૂ.૩૫ લાખના દાગીના, રૂ.૧૮ લાખ રોકડ પણ ઉમેદવારી ફોર્મમાં દર્શાવ્યા હતા. તેમની સ્થાવર મિલકતની અંદાજિત બજાર કિંમત રૂ.૧૨.૨૪ કરોડ છે. સ્થાવર મિલકતની ખરીદી રૂ.૨.૮૪ કરોડની રજૂ કરાઇ હતી. અમિત શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત કેન્દ્રીય નેતાઓ અરુણ જેટલી, નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકર, પિયુષ ગોયલ, રાજનાથ સિંહ અને રામવિલાસ પાસવાન સહિત પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ, કાર્યકરો અને સ્થાનિક લોકો સાથે રોડ-શો દરમ્યાન અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવા દરમ્યાન ગાંધીનગર કલેકટર કચેરી ખાતે હાજર રહ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરાઇ ગયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ શાહ દ્વારા તેમના ઉમેદવારીપત્રમાં મિલકતના આંકડા જાહેર કરાયા હોવાની પુષ્ટિ કરાઇ હતી અને તેની વિગતો મીડિયામાં પણ આપી હતી.