અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ભાજપમાં જોડાયેલા અને ત્યાર બાદ ભાજપથી નારાજ થઇ પક્ષ છોડી દેનાર રેશ્મા પટેલે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આડકતરી રીતે જાણે ચેલેન્જ આપી છે કે, રૂરલ એરિયામાંથી ચૂંટણી લડો તો ખબર પડે કે કેવી રીતે જીતાય છે. રેશ્મા પટેલે આ સિવાય પણ ટિકિટ આપવાને લઇને પણ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. જેને લઇ ફરી એકવાર રેશમા પટેલના બેબાક બોલ સામે આવ્યા છે.
તાજેતરમાં જ ભાજપ છોડી દેનાર રેશ્મા પટેલે દેવજી ફતેપરાએ ભાજપમાં ટિકિટને લઇને કરાયેલ નિવેદન પર જણાવ્યું હતું કે, ભાજપના સાંસદે જ તેમની પાર્ટી પર ટિકિટ વહેચણીમાં પ્રજાનું હિત નથી જળવાતુ તેવી રીતે વહેચણી થાય છે તેવો બળાપો ઠાલવ્યો છે. હું પણ માનું છું કે ભાજપે પ્રજાલક્ષી કોઈ નિર્ણય નથી લીધો. ભાજપમાં જ ટિકિટ વહેચણીને લઇને અસંતોષ છે. ભાજપના સાંસદે જ પોતાના પક્ષ પર આક્ષેપ કર્યો છે તો તેના વિશે મારે વિશેષ ટિપ્પણી કરવીની જરૂર નથી. પરંતુ એટલુ ચોક્કસ છે કે, ભાજપ તાનાશાહોની પાર્ટી છે અને સાચા લોકોને ટિકિટ મેળવવી મુશ્કેલ છે.
ભાજપની કૂટનીતિઓ તો સમગ્ર ગુજરાત અને દેશ સામે છે. દરેક સમજી રહ્યા છે કે તેઓ કઇ રીતે રાજનીતિ કરે છે. રેશ્મા પટેલે અમિત શાહને સીધો પડકાર ફેંકતા જણાવ્યું કે, ભાજપ દ્વારા અમિત શાહને ગાંધીનગરથી ટિકિટ આપવામાં આવે છે. અમિત શાહે લડવું હોય તો રુરલ એરિયામાં આવે તો ખબર પડે કે કઇ રીતે જીતાય. સેફ બેઠક પર તાનાશાહો કબજો કરી રહ્યા છે. રેશમા પટેલના બેબાક બોલને લઇ ફરી એકવાર ભારે ચર્ચા જાગી છે.