નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પક્ષ પ્રમુખ અમિત શાહની સાથે પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજી હતી. પ્રથમ વખતની આ ઐતિહાસિક પત્રકાર પરિષદમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, તેમની સરકાર સંપૂર્ણ બહુમતિ સાથે સત્તામાં પરત આવનાર છે. મોદીએ કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરીને તેઓ સીધીરીતે પત્રકારોને મળવા માટે અહીં પહોંચ્યા છે. મોદીએ વિશ્વાસ સાથે કહ્યું હતું કે, તેમની સરકાર બહુમતિ સાથે ફરીવાર આવનાર છે. આ પ્રકારની બાબત પણ દેશમાં પ્રથમ વખત બનવા જઇ રહી છે જ્યારે એક સરકાર ફરીવાર બહુમતિ સાથે પરત આવી રહી છે. મોદીએ કહ્યું હું કે, લોકશાહી વ્યવસ્થામાં વિશ્વમાં લોકો ભારતની નોંધ લઇ રહ્યા છે.
અમારી લોકશાહી વ્યવસ્થામાં અનેક વિવિધતા રહેલી છે. પત્રકારો સાથે વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે, તેઓ કોઇપણ પ્રકારના પ્રશ્નો લેશે નહીં કારણ કે, પાર્ટી પ્રમુખ અમિત શાહ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહ દ્વારા જ તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. ભાજપની વ્યવસ્થામાં રહેલી શિસ્તને તેઓ પોતે પણ પાળશે. અમિત શાહે ચૂંટણી પ્રચાર અને અન્ય તમામ પ્રકારની બાબતો અંગે જવાબ આપ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં પ્રભુત્વ જમાવવા માટે ભારત સક્ષમ છે. બીજી બાજુ ભાજપ વડાએ ચૂંટણી પ્રચારના સંદર્ભમાં પૂરતી માહિતી આપી હતી. સાથે સાથે એનડીએ સરકારના દેખાવ અંગે પણ માહિતી આપી હતી. અમિત શાહે દાવો કર્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી ૩૦૦થી પણ ઉપર સીટો જીતીને આવશે.
નરેન્દ્ર મોદીને લોકો સ્વીકારી ચુક્યા છે. ભાજપ મોદીના નેતૃત્વમાં આગામી સરકાર બનાવશે. લોકો મોદી સરકાર ફરી બનાવવા માટે તેમની કટિબદ્ધતા કરતા પણ આગળ દેખાઈ રહ્યા છે. આ પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે કેન્દ્રમાં કોઇ બિન કોંગ્રેસી સરકાર ફરીવાર તેના દેખાવના આધાર પર ફરી એકવાર બહુમતિ સાથે આવી રહી છે. ૩૦૦થી પણ વધારે સીટો અમારા ચૂંટણી પહેલાના ભાગીદારો સાથે મળીને મળશે. ગઠબંધન સરકાર ખુબ જ વિશ્વસનીય અને મજબૂત રહેશે. નવા પાર્ટનરોની મદદ લેવાના સંદર્ભમાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમારા એજન્ડાને સ્વીકાર કરનાર કોઇને પણ સાથે લેવા માટે અમે તૈયાર છે. જા કે, તેઓએ એવા અહેવાલને રદિયો આપ્યો હતો કે, કેન્દ્રમાં વિપક્ષી ગઠબંધનની કોઇ શક્યતા દેખાતી નથી. દિલ્હીમાં એસી રુમમાં બેસીને બે નેતાઓ સરકારની રચના કરી શકે નહીં. લોકો તેમને પસંદ કરી રહ્યા છે તેમ માનવા માટે કોઇ કારણ નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના એવા આક્ષેપ કે રાફેલના મુદ્દા ઉપર તેમની સાથે ચર્ચા કરવા મોદી તૈયાર નથી તેવા પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ જા કોઇ તેમની પાસે રાફેલને લઇને કોઇ નક્કર બાબત અને માહિતી છે તો સુપ્રીમ કોર્ટમાં જવું જાઇએ. સમજૂતિને લઇને કોઇ બાંધછોડ કરવામાં આવી નથી. કોઇની કોઇ તરફેણ કરવામાં આવી નથી.
રાફેલ ડીલમાં એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર થયો નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય સ્તરને ખુબ નીચે લઇ જવાના આક્ષેપ અંગે ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, વિપક્ષ પાસેથી અન્ય કોઇપણ પ્રકારની અપેક્ષા રાખી શકાય નહીં. ભાજપે ક્યારે પણ લો ક્વોલિટીની ડિબેટને મહત્વ આપ્યું નથી.
મોદીએ આ ગાળા દરમિયાન કહ્યું હતું કે, જ્યારે તેઓ પ્રચાર માટે નિકળ્યા હતા ત્યારે એવી ઇચ્છા હતી કે, ૨૦૧૪માં આશીર્વાદ આપનાર લોકોનો આભાર માનશે પરંતુ પ્રચાર દરમિયાન અભૂતપૂર્વ ટેકો તેમને મળ્યો તો. દેશની પ્રજા પહેલાથી જ મોદીને વડાપ્રધાન બનાવવા કમરકસી ચુકી હતી. બીજી બાજુ મોદીએ કહ્યું હતું કે, તેમની પ્રથમ સભા મેરઠમાં શરૂ થઇ હતી જે ૧૮૫૭ના ક્રાંતિનું કેન્દ્ર હતું. આજે છેલ્લી સભા મધ્યપ્રદેશમાં થઇ છે જે આદિવાસી ભીમાનાયકના ક્રાંતિના કેન્દ્ર તરીકે છે. આ કોઇ અનાચક થનાર બાબત નથી. અમારી તૈયારીના પરિણામે છે. આઈપીએલ અને ચૂંટણી એક સાથે યોજાઈ છે જે પણ દેશ માટે ગર્વની બાબત છે.