અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક માટેનું ઉમેદવારીપત્ર ભરવા જવાના હતા, ત્યારે યોજાયેલા ભવ્ય રોડ શો અને રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. બીજીબાજુ, વલસાડમાં એક અપક્ષ ઉમેદવારે પણ બાઇક રેલી યોજી હતી તો ટ્રાફિક પોલીસે તેમને અટકાવી હેલ્મેટ કેમ નથી પહેર્યા અને કાયદાના ભંગનો ડર બતાવી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઇ વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર તેમ જ તેમના સમર્થકોએ ટ્રાફિક પોલીસ અને તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે, તાકાત હોય તો, અમિત શાહની રેલીમાં જાડાયેલા હેલ્મેટ વિનાના બાઇકસવારો પાસેથી દંડ વસૂલી બતાવો. વલસાડની અપક્ષ ઉમેદવાર અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા ટ્રાફિક પોલીસની પક્ષપાતી નીતિને લઇ પ્રહારો કરવામાં આવ્યા હતા કે, માત્ર નબળા લોકોને કાયદાનો ડર બતાવીને પોલીસ શું સાબિત કરવા માંગે છે એ ક્યારેય નથી સમજાતું.
જા કે, આજની આ ઘટનાને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયું હતું અને સમગ્ર કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો. આજે વલસાડમાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરતાં પહેલાં વિશાળ બાઈક રેલી યોજી હતી પરંતુ આગળ જતાં રેલીમાં જોડાયેલા અપક્ષ ઉમેદવારના સમર્થક અને ટેકેદાર એવા બાઈક સવારોને ટ્રાફિક પોલીસે અટકાવ્યા હતા અને હેલ્મેટ નથી પહેર્યા તે સહિતના નિયમોના ભગનું કારણ ધરી તેઓની પાસેથી દંડ વસૂલ્યો હતો.
અપક્ષ ઉમેદવાર દિપક કુરાડાએ આ સમગ્ર મામલે ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને પોલીસને જણાવ્યું હતું કે, ભાજપની રેલીમાં આવી રીતે લોકો નીકળે તો તમે તેને દંડતા નથી અને અમારી અપક્ષ ઉમેદવારી સામે આ પ્રકારે ખોટી કનડગત ઉભી કરો છો.સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી બેઠક ઉપર ઉમેદવારી કરવા માટે નીકળેલા અપક્ષ ઉમેદવાર દીપક કુરાડા સહિત રેલીમાં સામેલ હેલ્મેટ વગરના બાઇક ચાલકોને ટ્રાફિક પોલીસે દંડ વસુલવાની ઘટનાને લઇ રાજકારણ ગરમાયું હતુ.