અમિત શાહનું રાજ્યસભામાં પ્રથમ ભાષણ
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભામાં પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. પોતાના ભાષણની શરૂઆત કરતા શાહે જણાવ્યું કે અમારી સરકારને વારસામાં બહુ મોટો ખાડો મળ્યો હતો અને સરકારનો વધુ સમય આ ખાડો ભરવામાં ગયો છે.
ભાષણમાં આગળ જણાવતા શાહે કહ્યું આઝાદી બાદ પહેલી વાર બિન કોંગ્રેસ પાર્ટીને જનતા દ્વારા બહુમતિ આપવામાં આપવામાં આવી અને આ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપ સરકાર હતી. પૂર્ણ બહુમત પ્રાપ્ત કર્યા બાદ પણ અમે એનડીએના સહયોગીઓ સાથે મળીને સરકાર રચી. પાછલી સરકારોમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો હતો. સાડા ત્રણ વર્ષોથી અમારી સરકાર અંત્યોદયના સિદ્ધાંત પર આગળ વધી રહી છે.
એનડીએની સરકારે સાડા ત્રણ વર્ષોમાં ૩ કરોડ ૩૦ લાખથી વધુ ગરીબ પરિવારોને ગેસ કનેક્શન આપ્યા છે. મને એ વાતનો આનંદ છે કે પ્રધાનમંત્રીના કહેવા પર ૧ કરોડ ૩૦ લાખ લોકોએ ગેસ સબસિડીનો લાભ જતો કર્યો છે. દેશમાં જન ધન યોજના અંતર્ગત ૩૧ કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. – તેમ શાહે વધુમાં જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીના પકોડા વેચવાના નિવેદન પર શાહે કહ્યું કે બેરોજરાગીથી સારૂં છે પકોડા વેચવા. ભીખ માંગવા કરતાં કોઇ મજૂરી કરી પૈસા કમાય તે સારી બાબત કહેવાય. સ્કિલ ઇંડિયા, સ્ટાર્ટઅપ અને મુદ્રા યોજના હેઠળ યુવાઓના રોજગાર માટે સરકાર કામ કરી રહી છે.