અમદાવાદ : ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર વિવાદીત ટિપ્પણી કરવાના ચકચારભર્યા કેસમાં અમદાવાદશહેરની ઘીકાંટા વિસ્તારની મેટ્રોપોલીટન કોર્ટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સમન્સ જારી કર્યું હતું. જો કે, આજે રાહુલ ગાંધી તરફથી તેમના વકીલે હાજર થઇને રાહુલ ગાંધી માટે એકઝ્મ્પ્શન(કોર્ટમાં હાજર થવામાંથી મુકિત માટે) અરજી કરી હતી. જેમાં રાહુલ ગાંધીના વકીલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી હાલ કોંગ્રેસની અગત્યની બેઠકોમાં વ્યસ્ત હોવાથી અદાલત સમક્ષ હાજર થઇ શકે તેમ નથી અને તેથી તેમને કોર્ટમાંથી હાજર રહેવામાંથી મુકિત આપવામાં આવે.
વળી, તા.૧૧મી સપ્ટેમ્બરે સુરતના કેસની સુનાવણી હોઇ તેઓ એ દિવસે અહીં આવવાના છે, તેથી કોર્ટે હાલની અરજીની સુનાવણી તા.૧૧મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯માં મેટ્રો કોર્ટે બીજીવાર રાહુલ ગાંધી સામે સમન્સ જારી કર્યું હતું, તે નોંધનીય છે. રાહુલ ગાંધીએ જબલપુરની એક સભામાં અમિત શાહ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને પગલે ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. મેટ્રો કોર્ટે સમન્સ કાઢ્યા બાદ રાહુલ ગાંધી બેઠકોમાં વ્યસ્ત હોવાથી તેમના તરફથી આ કેસમાં વધુ સમયની માંગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આ મામલે વધુ સુનાવણી તા.૧૧ ઓક્ટોબરના રોજ મુકરર કરી હતી. રાહુલ ગાંધીએ જબલપુરની એક જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ખૂન કેસના આરોપી છે.
ત્યારબાદ અમદાવાદના ખાડિયા વિસ્તારના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી કહ્યું હતું કે, સીબીઆઈ કોર્ટે અમિત શાહને તા.૨ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ એન્કાઉન્ટર કેસમાં બિન તહોમત છોડી મુક્યા હતા. જેથી અમિત શાહને ખૂન કેસના આરોપી કહી તેમની બદનામી કરી હોવાથી રાહુલ ગાંધી સામે બદનક્ષીની કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મેટ્રો કોર્ટે નોટબંધી દરમ્યાન નોટો બદલાવવાના પ્રકરણમાં અમિત શાહ અને અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંક વિરૂધ્ધ વાંધાજનક ઉચ્ચારણો કરતાં એ કેસમાં પણ રાહુલ ગાંધી વિરૂધ્ધ સમન્સ જારી થયું હતું. આમ, અમદાવાદની મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધી વિરૂધ્ધ સમન્સ જારી થવાની આ બીજી ઘટનાએ ખાસ કરીને કોંગ્રેસની છાવણીમાં ભારે ચકચાર જગાવી હતી.