અમદાવાદ : ભાજપ પ્રમુખ અમિત શાહ આવતીકાલે ગુજરાત પહોંચી રહ્યા છે. ગુજરાત પહોંચ્યા બાદ ૩૦મીના દિવસે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે નામાંકનપત્ર દાખલ કરશે. અમિત શાહના રોડ શોમાં કેન્દ્રીયમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. ૩૦થી વધુ નેતાઓ ઉપસ્થિત રહે તેમ માનવામાં આવે છે. ૩૦મી માર્ચના રોજ ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નામાંકનપત્ર દાખલ કરવાના હોઈ તેના સંદર્ભમાં નારણપુરા ખાતેના શાના જુના નિવાસસ્થાનેથી શરૂ થનાર આશરે ચાર કિલોમીટરના ભવ્ય રોડ શો રુટના નિરીક્ષણ માટે આજરોજ રાષ્ટ્રીય મહામંત્રી અનિલભાઈ જૈન દ્વારા સમગ્ર રુટનું નિરિક્ષણ કરાયું હતું.
ડો. અનિલ જૈન સાથે ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મહામંત્રી કેસી પટેલ, લોકસભાના ઇન્ચાર્જ હર્ષદ પટેલ, મહાનગર અધ્યક્ષ જગદીશ પંચાલ, અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ આરસી પટેલ તથા કર્ણાવતી મહાનગર અને ગાંધીનગર લોકસભાની વ્યવસ્થા ટમ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જાડાયા હતા.
અનિલ જૈને ઇલેક્ટ્રોનિક મિડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ભવ્ય અને ઐતિહાસિક રોડ શોમાં કેન્દ્રીય નેતૃત્વ અને મંત્રી નીતિન ગડકરી, ગૃહમંત્રી રાજનાથસિંહ, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તથા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. જૈને વધુમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ સ્મારકથી સરદાર પટેલ ચોક સુધીની આશરે ચાર કિલોમીટર સુધીની આ પદયાત્રા સમગ્ર ગુજરાતમાં સરદાર અને ગાંધીજીના મહત્વને પ્રતિપાદિત કરે છે.
આગામી ૩૦મી માર્ચના રોજ સવારે ૯ વાગે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નામાંકનપત્ર દાખલ કરવા માટે ભવ્ય રોડશોની શરૂઆત કરશે. વિશાળ સંખઅયામાં કાર્યકરો, ધર્મગુરુઓ, સામાજિક સંસ્થાઓના આગેનો અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરીમાં ઢોલ-નગારા શરણાઈ સાથે શંખનાદના પવિત્ર વાતાવરણમાં હર્ષ અને ઉલ્લાસ સાથે આ રોડ આગળ વધશે.