અમદાવાદ : બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢના ભેદલા ગામના ડુંગરાળ વિસ્તારમાં ઝૂંપડા બનાવીને રહેતા એક ગરીબ પરિવારના ઝૂંપડામાં આગ લાગી હતી. માતા રસોઈ બનાવી રહી હતી ત્યારે લાગેલી આગમાં માત્ર પંદર દિવસની બાળકી અને બે વર્ષના બાળક જીવતાં ભુંજાઇ ગયા હતા, જેને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. તો, માતા પોતે પણ આગની જવાળાઓમાં સપડાઇ જતાં તે પણ ગંભીર રીતે દાઝી ગઇ હતી.
જેથી તેણીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઇ હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને તંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢના ભેદલા ગામે કાચા ઝુંપડામાં પરિવાર સાથે રહેતી એક મહિલા ઘરમાં રસોઇ બનાવી રહી હતી ત્યારે અચાનક આગ લાગી હતી. આગની જવાળાઓ ગણતરીની સેકન્ડોમાં આખા ઝુંપડાને લપેટમાં લઇ લેતાં એ વખતે ઘરમાં હાજર મહિલા અને તેની પંદર દિવસની બાળકી અને બે વર્ષના બાળક આ આગમાં જીવતા ભુંજાઇ ગયા હતા. ખુદ માતા પણ આગની જવાળાઓમાં સપડાતાં તે પણ ગંભીર રીતે દાઝી ગઇ હતી. આગ એટલી ભયંકર રીતે પ્રસરી હતી કે, આખુ ઝુંપડુ બળીને ખાખ થઇ ગયું હતું.
જેમાં ગરીબ પરિવારની ઘરવખરી અને માલસામાન પણ બળીને રાખ થઇ ગયો હતો. ગરીબ પરિવારના બે માસૂમ બાળકો આ આગમાં હોમાઇ જતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, બનાવની ગંભીરતા ધ્યાને લઇ અમીરગઢના મામલતદાર, ડીડીઓ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે, ઘટનાસ્થળના આખેઆખુ ઝુંપડુ આગમાં બળીને ખાખ થઇ ગયુ હોવા સહિતના દ્રશ્યો જાઇ તેમના હૃદય પણ દ્રવી ઉઠયા હતા. ગંભીર રીતે દાઝેલી માતાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.