ઈરાનના વિદેશ પ્રધાન પાકિસ્તાન પહોંચ્યા, વર્તમાન સ્થિતિ સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત
ઈરાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બંને દેશો હવે એકબીજા સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કારણોસર ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયા, આજે સોમવારે તેમના પાકિસ્તાની સમકક્ષ જલીલ અબ્બાસ જિલાનીના આમંત્રણ પર ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. નૂરખાન એરબેઝ પર પહોંચતા ઈરાનના વિદેશ મંત્રીનું પાકિસ્તાનના વિદેશ સચિવ રહીમ હયાત કુરેશીએ સ્વાગત કર્યું હતું.
પાકિસ્તાનની તેમની મુલાકાત દરમિયાન, ઈરાનના વિદેશ પ્રધાન હુસેન અમીર અબ્દુલ્લાહિયન તેમના સમકક્ષ જિલાની અને પાકિસ્તાનના કાર્યકારી વડા પ્રધાન અનવર ઉલ હક કક્કર સાથે બન્ને દેશ વચ્ચે પ્રવર્તતી વર્તમાન સ્થિતિ તેમજ વિવિધ મુદ્દાઓ અંગે વાત કરશે. સાથોસાથ બંને દેશો વચ્ચેના સંબંધોને પાછા પાટા પર લાવવાનો પ્રયાસ કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તાજેતરના સમયમાં તણાવ વધ્યો છે. ગત ૧૬ જાન્યુઆરીએ ઈરાને દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. ઈરાને આતંકી સંગઠન જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં પાકિસ્તાનની બે માસૂમ બાળકીઓના મોત થયા હતા, જ્યારે બે બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ હુમલાથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું હતું જેના કારણે તેમણે ઈરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા હતા. ઈરાનના આ હુમલા બાદ પાકિસ્તાને પણ બદલા રૂપે ૧૮ જાન્યુઆરીએ જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાનની સેનાએ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (મ્ન્છ) અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટની જગ્યાઓને નિશાન બનાવી હતી. પાકિસ્તાન તરફથી એક નિવેદન જાહેર કરીને આ હુમલાની જાણકારી આપવામાં આવી હતી. બન્ને દેશે એક બીજા પર કરેલા હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ વધુ વધી ગઈ હતી. જે બાદ પાકિસ્તાને નમ્રતા દર્શાવી અને ઈરાન સાથે મળીને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાનીએ, ઈરાનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને દેશોએ પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ પર ભાર મૂક્યો હતો. બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન અને ઈરાન આતંકવાદ સામેની લડાઈમાં પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સંકલન સ્થાપિત કરીને સાથે મળીને કામ કરવા સંમત થયા છે.