વોશિગ્ટન : અમેરિકાએ પણ વર્ષ ૨૦૦૮માં મુંબઇમાં થયેલા ત્રાસવાદી હુમલાના કાવતરાખોરો અંગે માહિતી આપનારને ૩૫ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુંબઇ હુમલાના કાવતરા ઘડવા, તેમાં મદદ કરનાર લોકો અંગે માહિતી આપનારને આ જંગી રકમ આપવાની ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે ઘુસણખોરી કરી ગયેલા ત્રાસવાદીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. લશ્કરે તોયબાના દસ ત્રાસવાદીઓ દ્વારા આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. દેશના વાણિજ્ય પાટનગરમાં કરવામાં આવેલા હુમલામાં ૧૬૬ લોકોના મોત થયા હતા. જેમાં છ અમેરિકી નાગરિકો પણ સામેલ છે. સિંગાપોરમાં હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમેરિકાના ઉપપ્રમુખ માઇક પેન્સે વાતચીત કરી હતી. આ વાતચીતના એક સપ્તાહથી પણ ઓછા સમયગાળાની અંદર આ જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત ચોક્કસપણે પાકિસ્તાન પર દબાણ વધારી દેનાર છે. એમ માનવામાં આવે છે કે આ વાતચીત દરમિયાન પેન્સે પોતે આ મામલો ઉઠાવ્યો હતો અને જાહેરાત કરી હતી કે હુમલાના ૧૦ વર્ષ બાદ પણ મુંબઇ હુમલાના કાવતરાખોરોને સજા કરવામાં આવી નથી. અમેરિકાના રિવોર્ડ ફર જસ્ટીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે આની જાહેરાત કરી હતી. અમેરિકી વિભાગે કહ્યુ છે કે એવી માહિતી જેના આધાર પર કાવતરાખોરોને પકડી પાડવામાં, તેમની સહાય કરનાર અંગે માહિતી આપી શકશે તેને ઇનામ આપવામાં આવનાર છે. વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે અમેરિકા પોતાના આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે દોષિતોની ઓળખ કરે અને તેને સજા અપાવવા માટે કામ કરી રહ્યુ છે. આ પહેલા તોયબાના સ્થાપક હાફિજ મોહમ્મદ સઇદ, હાફિજ અબ્દુલ રહેમાન અનેમક્કી સહિતતના તોયબાના અન્ય નેતા અંગે માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.