ફ્લોરિડા : અમેરિકાના ફ્લોરિડાના જેક્શનવિલેમાં ૧૪૦ યાત્રીઓને લઇને જતુ બોઇંગ ૭૩૭ વિમાન રનવે પર ઉતરાણ કર્યા બાદ નદીમાં સરકી જતા તમામ યાત્રીઓનો સહેજમાં બચાવ થયો છે. નેવલ એર સ્ટેશન જેક્શન વિલેના પ્રવકતાએ આજે આ માહિતી સવારમાં આપી હતી. હેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે ઉતરાણ કર્યા બાદ આ વિમાન જેક્શનવિલે નજીકની સેન્ટ જહોન નદીમાં લપસી ગયુ હતુ. જો કે આમાં તમામનો બચાવ થયો છે. આ એક વાણિજય વિમાન હતુ વિમાનમાં ૧૪૦ લોકો પૈકી ૧૩૩ યાત્રીઓ અને સાત ક્રુ મેમ્બરો હતા. સારી બાબત એ રહી હત કે વિમાન નદીમાં ઉંડા પાણીમાં ગયુ ન હતુ.
જેથી વિમાન ડુબી ગયુ ન હતુ. વિમાનમાં રહેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. જેક્શનવિલેના મેયરે માહિતી આપતા કહ્યુ છે કે અમારુ એક કોમર્શિયલ વિમાન નદીમાં લપસી ગયુ હતુ. ત્યારબાદ ફાયર ટીમ અને અન્યોને તરત જ બોલાવી લેવામાં આવી હતી. તમામ લોકોએ તરત જ બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યુ છે કે તમામ યાત્રીઓ બિલકુલ સુરક્ષિત છે.
હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે આ વિમાન નેવલ સ્ટેશન ગ્વાતાનમાવો બેથી આવ્યુ હતુ. રનવેના અંતે રહેલી નદીમાં તે સરકી ગયુ હતુ. બનાવના કારણે તમામ જગ્યાએ આની ચર્ચા જાવા મળી હતી. દુર્ઘટનાના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.ફાયર અને બચાવ ટીમ તરત કામમાં લાગી હતી.