અમદાવાદ:શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારણ અને ગેરકાયદે બાંધકામો-દબાણો દૂર કરવાની છેલ્લા દસ-બાર દિવસથી ચાલી રહેલી કાર્યવાહી આજે શહેરના સરખેજ, રતનપોળ, ગાંધી રોડ, ખાડિયા, કાંકરિયા, સારંગપુર, ઘાટલોડિયા, વિરાટનગર, સારંગપુર સર્કલ સહિતના વિસ્તારોમાં અમ્યુકો તંત્રનું બુલડોઝર ફર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમ્યુકો તંત્ર દ્વારા ૩૦૦થી વધુ પોલીસ જવાનોની હાજરીમાં ડિમોલિશન ડ્રાઇવ પાર પાડવામાં આવી હતી. તંત્ર દ્વારા મોટાપાયે ગેરકાયદે દબાણો, બાંધકામો દૂર કરી આ વિસ્તારોમાં માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતા. રતનપોળ અને ગાંધીરોડ પર પણ તંત્રની ડિમોલિશન ડ્રાઇવ અને દબાણો દૂર કરવાની કામગીરીને લઇ સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને ફેરિયાઓમાં સહેજ નારાજગીની લાગણી ફેલાઇ હતી. દરમ્યાન અમ્યુકો તંત્ર દ્વારા આડેધડ દબાણો કે બાંધકામ દૂર કરાય તેના બદલે રતનપોળ કાપડ મહાજનના પ્રમુખ અને ખજાનચીએ વેપારીઓ માટે એક સરક્યુલર જારી કરી વેપારીઆલમને સૂચના આપી હતી કે, આપણાં બજારના તમામ દુકાનના બોર્ડ જે પણ શટરની બહાર હોય તેને જાતે ઉતારી લેવા. જો સરકારી કામગીરી થશે તો તેનો ચાર્જ પણ લાગશે અને નુકશાન પણ ભોગવવું પડશે, તો તમામ વેપારીઓએ પોતાના બોર્ડ ઉતારી લેવા. આ સૂચનાનો તાત્કાલિક અમલ કરવો. વેપારીઓની દુકાનો કે એકમોને કોઇ બિનજરૂરી નુકસાન ના થાય તે હેતુથી આ સૂચના જારી કરાઇ હતી. જેને પગલે મોટાભાગના વેપારીઓએ સ્વેચ્છાએ જાતે જ ગેરકાયદે રીતે લગાવાયેલા, વધારાયેલા બોર્ડ અને દબાણો ખસેડી લીધા હતા અને તંત્રની કામગીરીમાં સહકાર આપ્યો હતો. દરમ્યાન આ જ પ્રકારે શહેરના સરખેજ, કાંકરિયા, ઓઢવ, નરોડા, કાગડાપીઠ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં પણ અમ્યુકો તંત્રના અધિકારીઓ દ્વારા બુલડોઝર, જેસીબી મશીન, દબાણોની ગાડીઓ સાથે ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી અને આ વિસ્તારોમાં પણ મોટાપાયે ગેરકાયદે દબાણો અને બાંધકામો દૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરના સરખેજ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સતત ડિમોલિશન ડ્રાઇવ ચાલી રહી છે, આ વિસ્તાર અને તેનો સમગ્ર પટ્ટો મોટો હોવાથી તંત્રને વધુ મહેનત કરવી પડી છે પરંતુ લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ અહીં મોટાપાયે સપાટો બોલાવ્યો છે. તો, અમદાવાદ શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત કોટ વિસ્તારના અતિ સંવેદનશીલ ગણાતા ભઠિયાર ગલી, ઢાલગરવાડ, પાનકોરનાકા, ત્રણ દરવાજા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુકત ટીમો દ્વારા ભારે મક્કમતાપૂર્વક અહીંના વિસ્તારોમાં ડિમોલિશન હાથ ધરાયું હતું. સામાન્ય રીતે, રથયાત્રા, મહોરમ જેવા તહેવારો હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે શાંતિ સમિતિની બેઠકો મળતી હોય છે પણ પહેલી વખત આ વિસ્તારોમાં દબાણો ખસેડવા માટે છેલ્લા ત્રણ દિવસથી શાંતિ સમિતિની બેઠકો મળી હતી અને તેઓને હાઇકોર્ટના ચુકાદાની સમજ અને શહેરના આયોજન અને સુખાકારીમાં ઉમેરો કરવાના ભાગરૂપે ટ્રાફિક નિયમન અને ડિમોલિશન ડ્રાઇવમાં પૂરતો સહકાર આપવા સમજાવાયા હતા.
ક્યાંક તમે તો નકલી ઘી ખરીદીને ઘરે નથી લઈ જતાને?
પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી...
Read more