અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇ કર્મચારીઓને જાણે જેકપોટ લાગ્યો છે. ઘણા વખતથી ચાલી આવતી સફાઇ કર્મચારીઓની લડત અને માંગણીઓના અંતે આખરે અમ્યુકો તંત્ર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા ૬,૦૦૦ રોજિંદા સફાઇ કર્મચારીઓને ગત એપ્રિલથી કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અનુસંધાનમાં હવે તેઓને મળવાપાત્ર ફુલ પગાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ રોજિંદા કર્મચારીઓને હવે માસિક ૮,૫૦૦ને બદલે ૧૭,૫૦૦ રૂપિયા પગાર મળશે. સફાઇ કર્મચારીઓને કાયમી કરવાના અને ફુલ પગારના નિર્ણયને પગલે મ્યુનિસિપલ તિજોરી પર રૂ.૫.૧૦ કરોડનો બોજ પડશે.
બીજીબાજુ, અમ્યુકો સત્તાધીશોના આ નિર્ણયને પગલે શહેરના સફાઇ કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. છેલ્લા ચારેક દિવસથી રોજિંદા કર્મચારીઓ હડતાળ પર ઉતરી આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. નોકર મંડળ તેમજ ડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટીએ આ મામલે ૧૬ જેટલી પડતર માંગણીઓને લઇને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ આપ્યું હતું. સફાઇ કર્મચારીઓની માંગણીઓ પરત્વે પુખ્ત ચર્ચા વિચારણના અંતે આખરે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે ફુલ પગારની જાહેરાત કરી હતી. જેમાં ૧૦૦ ટકા પગાર વધારો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલીક માંગણીને સ્વીકારી લેવાઇ હતી. જેના અનુસંધાનમાં ગઈકાલે પારણાં કરાવીને સફાઇ કર્મચારીઓની હડતાળ સમેટાઇ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ ૬,૦૦૦ કર્મીઓને કાયમી કરવામાં આવતા મ્યુનિસિપલ તિજોરી પર માસિક ૫.૧૦ કરોડનું ભારણ પડશે. કાયમી કર્મીઓને મૂળ જગ્યાએ પરત મુકવા, મુકાદમની ખાલી જગ્યાઓ ભરવી, પાલિકા, પંચાયતના ૮૦ જેટલા કર્મીઓને કામયી કરવા અને ફાયરબ્રિગેડમાં વોલિયન્ટર તરીકે ફરજ બજાવતા કર્મીઓને ડ્રાઇવર તરીકે ભરતી કરવાની બાબતને મંજૂરી અપાઇ હતી. બાકી રહેલા વોલિયન્ટર ને મ્યુનિસિપલમાં શિડયુલ ખાલી જગ્યાઓ ઉપર મૂકવાની માંગણી સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવાની સંબંધિત વિભાગોને જાણ કરાઇ હતી.
જા કે, અમ્યુકોએ છ હજાર કર્મચારીઓને કાયમી કરી દેતાં હવે તેમને જરૂરી આનુષંગિક લાભો તો મળશે. સાથે સાથે સફાઇ કર્મચારીઓને માસિક રૂ.૮૫૦૦ના બદલે રૂ.૧૭,૫૦૦ જેટલો પગાર હવે મળશે. અમ્યુકો તંત્રના હકારાત્મક અભિગમને લઇ બીજીબાજુ, સફાઇ કર્મચારીઓમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. સફાઇ કર્મચારીઓના આગેવાનો અને નોકરમંડળના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા તથા અમ્યુકો તંત્રના સત્તાધીશોનો પણ આભાર માન્યો હતો.