નવી દિલ્હી : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડકપ માટે પસંદગી ન થવાના પરિણામ સ્વરુપે અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુએ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રાયડુએ નિવૃત્તિની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા છે. આ સંબંધમાં રાયડુએ બીસીસીઆઈને એક મેઇલ મોકલીને જાણ કરી છે. બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ વાત કરતા કહ્યું છે કે, રાયડુ તરફથી મેઇલ મળી ચુક્યો છે. જોહરીએ કહ્યું છે કે, રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. એક વર્ષ સુધી આઈપીએલમાં રમવા માટે રાયડુ ઇચ્છુક છે. આંધ્રપ્રદેશના આ ક્રિકેટરને વર્લ્ડકપ માટે મોકલવામાં આવેલી ૧૫ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. આને લઇને ચર્ચા પણ થઇ હતી.
ઇજાના કારણે શિખર ધવન અને ત્યારબાદ વિજય શંકર વર્લ્ડકપમાંથ આઉટ થયા બાદ પણ રાયડુની પસંદગી રિપ્લેશમેન્ટ તરીકે કરવામાં આવી ન હતી. રાયડુની જગ્યાએ રિષભ પંત અને મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. રાયડુની જગ્યાએ વર્લ્ડકપમાં જ્યારે શંકરની પસંદગી કરવામાં આવી ત્યારે પણ જાણકાર લોકો અને ટોપના ક્રિકેટરોએ વાંધો ઉઠાવ્યો હતો. કારણ કે, રાયડુ શંકર કરતા વધારે સારી રમત રમી રહ્યો હતો. બીસીસીઆઈએ તર્ક આપતા કહ્યું હતું કે, શંકરને ત્રણેય વિભાગોમાં કુશળતાના લીધે સામેલ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં રાયડુએ મજાક કરતા કહ્યું હતું કે, તેઓએ વર્લ્ડકપ જાવા માટે થ્રીડી ગ્લાસ ઓર્ડર કરેલા છે. જો કે, વિજય શંકર બહાર થયા બાદ પણ રાયડુની જગ્યાએ મયંક અગ્રવાલને તક આપવામાં આવી હતી.
રાયડુની કેરિયરની વાત કરવામાં આવે તો ૫૫ વનડે મેચ રમી છે. ૧૬૯૪ રન બનાવ્યા છે જેમાં ત્રણ સદી અને ૧૦ અડધી સદીનો સમાવેશ થાય છે. છ ટ્વેન્ટી મેચમાં ૪૨ રન બનાવી ચુક્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા રાયડુએ ૧૪૭ આઈપીએલ મેચોમાં ૩૩૦૦ રન બનાવ્યા છે. આ પહેલા રાયડુએ નાગરિકતાને લઇને પણ વાત કરી હતી. આઈસલેન્ડ દ્વારા નાગરિકતાની ઓફર રાયડુને કરવામાં આવી ચુકી છે. આઈસલેન્ડ ક્રિકેટના એક ટ્વિટથી રાયડુએ નવી ચર્ચા જગાવી હતી. આઈસલેન્ડ ક્રિકેટે અગ્રવાલ દ્વારા રમાયેલી ત્રણ મેચોમાં ઉલ્લેખ કરીને રાયડુનો ઉલ્લેખ કર્યો હતો.