મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉઝબેકીસ્તાનના ભારત સ્થિત રાજદૂત ફરહોદ અર્ઝીવ એ ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. તેઓ ગુજરાતની આ પ્રથમ મુલાકાતે આવ્યા છે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ અને ગિફટ સિટી, PCPIR વગેરેથી પ્રભાવિત થયા હોવાની લાગણી તેમણે વ્યકત કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથેની આ મુલાકાત દરમિયાન ઉઝબેકીસ્તાનના રાજદૂતે ફાર્માસ્યુટિકલ પ્રોડકટસ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ, ખાણ-ખનિજ વગેરે ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની સંભાવનાઓ અંગે પરામર્શ કર્યો હતો. ઉઝબેકીસ્તાન ગુજરાત સાથે પરંપરાગત સંબંધોનો જે સેતુ ધરાવે છે તેને વધુ સુદ્રઢ કરવા અંગે પણ ફળદાયી પરામર્શ થયો હતો.
મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ ઉઝબેકીસ્તાનને સહભાગી થવા આપેલા નિમંત્રણનો સ્વીકાર કરતાં ઉઝબેકીસ્તાન રાજદૂતે ઉચ્ચસ્તરીય ડેલિગેશન આ સમિટમાં જોડાશે તેવી ખાતરી આપી હતી.