ગુજરાત અને દેશના હવામાન અંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે, જે આગામી તહેવારો અને શિયાળાની ઋતુ પર અસરકારક સાબિત થઈ શકે છે. તેમના અનુમાન મુજબ, ઓક્ટોબરના ઉત્તરાર્ધથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે અને દિવાળીના દિવસોમાં માવઠાની શક્યતા છે. ત્યારબાદ ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડીનો પ્રારંભ થશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડીનો માહોલ રહેશે. આ સમયગાળામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જઈ શકે છે. નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance)ની શક્યતા હોવાથી ન્યૂનતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે 22 ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની સંભાવના છે, જેના કારણે દેશભરમાં ઠંડીનું મોજું ફેલાઈ શકે છે. આ વર્ષે દિવાળીના સમય સુધી પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અનુભવ શહેરી વિસ્તારોમાં પણ થઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અનુસાર દિવાળીના તહેવાર દરમિયાન વરસાદની સંભાવનાને કારણે રાજ્યના નાગરિકો અને ખેડૂતોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. જો આ આગાહી સાચી ઠરશે, તો ખેડૂતો, તહેવારની તૈયારીઓમાં લાગેલા વેપારીઓ અને સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ બધા હવામાન પરિવર્તનો ક્લાઈમેટ ચેન્જના સંકેત પણ હોઈ શકે છે. હાલ પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પર લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જે દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલી છે. આગામી 12 કલાકમાં આ સિસ્ટમ નબળી પડીને સામાન્ય દબાણ ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે.
અંબાલાલ પટેલના અનુમાન અનુસાર ઓક્ટોબર મહિનામાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. 13 થી 17 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 18 થી 21 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. સમુદ્રીય પ્રવૃત્તિઓના કારણે ભેજમાં વધારો થવાથી દિવાળીના આસપાસ માવઠું પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અનુસાર 23 ઓક્ટોબરથી સવારના સમયે ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે. નવેમ્બરની શરૂઆતમાં ઉત્તરીય પર્વતોમાં હિમવર્ષા થવાથી મેદાની વિસ્તારોમાં ઠંડી ફેલાશે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની સંભાવના, જેના અસર રૂપે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા. 23 થી 26 નવેમ્બર દરમિયાન હિમવર્ષા પછી ઉત્તર પવનના કારણે ઠંડીમાં વધારો થશે.