પાલનપુર: ભાદરવી પુનમના દિવસે અમદાવાદના માઇભક્ત નવનીતભાઇ શાહ ધ્વારા મા અંબેના ચરણોમાં એક કિલો સોનુ ચડાવવામાં આવ્યુ હતુ. માતાજી ઉપર તેઓને અપાર ભક્તિભાવ અને શ્રધ્ધા હોવાથી માતાજીના ચરણમાં એક કિ.લો. સોનુ ચડાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ભાદરવી પુનમના દિવસે નવનીતભાઇ શાહે એક કિલો સોનુ માતાજીને ચડાવ્યું હતુ. મેળા પ્રસંગે અંબાજી મંદિર પરિસરમાં ભક્તિભર્યો માહોલ સતત રહ્યો હતો. માઇભક્તો ધ્વારા મંદિરના શિખર ઉપર માતાજીની ધજા ચડાવાતી હોય ત્યારે જયઅંબે……ના પ્રચંડ જય જયકાર સાથે શ્રધ્ધાળુઓ ભક્તિમય બની જતા હતા.
કેટલાક શ્રધ્ધાળુઓ ભાવવિભોર બની જતાં તેમની આંખમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા. માતાજીનાં દર્શન કરીને મંદિર બહાર આવતા દર્શનાર્થીઓના ચહેરા પર આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. મંદિરનો ચાચર ચોક માઇભક્તોથી ભરચક, લાંબી ધજાઓ, માતાજીના જયઘોષ, હાથમાં ચુંદડી-પ્રસાદથી માહોલ ભવ્ય રહ્યો હતો. દર્શન માટે બબ્બે રેલીંગ વ્યવસ્થા હોવાથી કોઇ યાત્રિકને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડ્યુ નથી.