ત્રાસવાદી હુમલાના ભય વચ્ચે અમરનાથ યાત્રા મોકુફ કરાઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગરઃ અમરનાથ યાત્રાને ત્રાસવાદી હુમલાના ભયને ધ્યાનમાં લઇને સાવચેતીના પગલારૂપે ત્રણ દિવસ માટે મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વતંત્રતા દિવસે સુરક્ષા સંસ્થાઓ તરફથી મળેલા ઇનપુટના આધાર પર યાત્રાને મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ગુરૂવારના દિવસે સ્થિતીની સમીક્ષા કર્યા બાદ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરવામાં આવશે.

હમેંશા કરતા આ વખતે વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે, કારણ કે શ્રદ્ધાળુઓ પર હુમલા કરવાની તૈયારી ત્રાસવાદીઓ કરી રહ્યા છે. આ અંગે વારંવાર અહેવાલ પણ આવી  ચુક્યા છે. ગયા વર્ષે અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અમરનાથ યાત્રાને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે હમેંશા ભારતીય સેના અને સુરક્ષા દળો માટે પડકાર હોય છે, કારણ કે ત્રાસવાદીઓ અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ બનાવવા માટેના પ્રયાસો સતત કરતા રહે છે. ખીણમાં સ્થિતી વિસ્ફોટક રહે તે હેતુથી આ પ્રકારના હુમલાના પ્રયાસ થાય છે.

૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨૭૯૫૩૫થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી.  ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અમરનાથ યાત્રામાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા હાલના દિવસોમાં ઘટી છે. ત્રણ દિવસમાં યાત્રા મોકૂફ રહેશે ત્યારે બાલતાલ અને પહેલગામ બેઝકેમ્પમાં યાત્રીઓને પવિત્ર ગુફામાં દર્શન માટે મોકલાશે.

Share This Article