શ્રીનગર : અમરનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે ચાલી રહી છે. જો કે સાવચેતીના પગલારૂપે યાત્રાને એક દિવસ માટે બંધ રાખવામાં આવી છે.અલગતાવાદી કટ્ટરપંથી લોકો દ્વારા બંધની હાકલ કરવામા આવ્યા બાદ સાવચેતીના પગલારૂપે એક દિવસ માટે યાત્રા બંધ રાખવામાં આવી છે. જેથી આજે શનિવારના દિવસે જમ્મુથી કાશ્મીર ખીણમાં આગળ વધવાની કોઇને મંજુરી આપવામાં આવી ન હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની સમીક્ષા કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧૩મી જુલાઇના દિવસે જમ્મુ કાશ્મીરમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
વર્ષ ૧૯૩૧માં ડોગરા મહારાજાની ફોર્સ દ્વારા શ્રીનગર સેન્ટ્રલ જેલની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. આ શહીદોના માનમાં બંધ રાખવામાં આવે છે. પહેલી જુલાઇના દિવસે અમરયાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી હજુ સુધી ૧.૫૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરી ચુક્યા છે.કાશ્મીર હિમાલયમાં દરિયાઇ સપાટીથી ૩૮૮૮ મીટરની ઉંચાઈએ સ્થિત ગુફાને લઇને અનેક પ્રકારની કહેવતો રહેલી છે.
શ્રદ્ધાળુઓ જુદા જુદા માર્ગ મારફતે આગળ વધી શકે છે. સ્થાનિક મુસ્લિમો પણ હંમેશા યાત્રા માટે મદદરુપ બને છે. ૧૮૫૦માં એક મુસ્લિમ દ્વારા આ ગુફાને શોધી કાઢવામાં આવી હતી. ત્યારબાદ બુટા મલિક નામના આ વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું. અમરનાથ યાત્રાના મહત્વને આ બાબતથી જ સમજી શકાય છે કે, કેન્દ્રીયમંત્રી ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રા પહેલા જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને તમામ પ્રકારની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
તમામ સંબંધિતો સાથે વાતચીત પણ કરી હતી. આખરે આને લીલીઝંડી મળી હતી. જો કે, કટ્ટરપંથીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે, અમરનાથ યાત્રાના લીધે સ્થાનિક લોકોને તકલીફ થઇ રહી છે. બીજી બાજુ હજુ લાખો લોકો નોંધણી કરાવી ચુક્યા છે. આ તમામ લોકો દર્શન કરવા માટે આશાસ્પદ દેખાઈ રહ્યા છે.અમરનાથ યાત્રાને ભગવાન શિવના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા માટે હજુ લાખો શ્રદ્ધાળુઓ ઉત્સુક બનેલા છે.
છેલ્લા ૧૦ દિવસના ગાળામા જ હજુ સુધી લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ જ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે સેના સાવધાન છે.