ઘુસણખોરી કરવા મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ લોંચ પેડ પર એકઠા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જમ્મુ : વાર્ષિક અમરનાથ યાત્રા હાલમાં ચાલી રહી છે ત્યારે કાશ્મીરમાં મોટા ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. ભારતીય પ્રદેશમાં ઘુસણખોરી કરવા માટે અંકુશ રેખા નજીક આ ત્રાસવાદીઓ રાહ જાઇ રહ્યા છે. ઇન્ટેલિજન્સ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રાસવાદીઓ જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાને અંજામ આપી શકે છે. સાથે સાથે અમરનાથ યાત્રીઓ પર પણ હુમલા કરવામાં આવી શકે છે. પુલવામાં ખાતે ત્રાસવાદી હુમલા બાદ ભારતે આ વર્ષની શરૂઆતચમાં જ પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઇ હુમલા કર્યા હતા. જેમાં સેંકડો ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.

જો કે ત્રાસવાદી ફરી  કેટલાક વિસ્તારમાં સક્રિય થઇ રહ્યા હોવાના હેવાલ મળ્યા છે. જો કે ત્રાસવાદીઓની તમામ યોજનાને નિષ્ફળ કરવા માટે ભારતીય સેના અને સુરક્ષા દળો સંપૂર્ણ તૈયાર અને સક્ષમ છે.  સરકારને જે બાતમી મળી છે તે દર્શાવે છે કે આ તમામ ત્રાસવાદીઓ લશ્કરે તોયબા અને હિજબુલ મુજાહીદ્દીનના હોવાની  માહિતી મળી છે. હાલમાં તમામ ત્રાસવાદીઓ અંકુશ રેખા નજીક જુદા જુદા લોંચ પેડ પરરાહ જાઇ રહ્યા છે. અહેવાલ મુજબ ત્રાસવાદીઓને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ દ્વારા તાલીમ આપવામા આવી છે.

હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાને રોકવા માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હુમલાની સંભાવનાને ધ્યાનમાં લઇને આઇટીબીપી, સીઆરપીએફ, ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસને હાઇ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૧૭માં પણ અમરનાથ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં છ મહિલા સહિત ૧૦ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. એ વખતે લશ્કરે તોયબાના ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૧માં ત્રાસવાદીઓએઅ શેષનાગમાં હુમલો કરવામાં આવ્યો હતો. પવિત્ર ગુફાની નજીક હુમલો કરવામાં આવ્યો હતો.

જેમાં ૧૩ લોકોના મોત થયા હતા. તે પહેલા પહેલગામ વિસ્તારમાં ત્રાસવાદીઓ દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૩૦ લોકોના મોત થયા હતા. સામાન્ય રીતે અમરનાથ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવતા રહ્યા છે. અમરનાથ યાત્રા હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા હાલમાં ચાલી રહી છે ત્યારે હુમલાને લઇને જારી કરવામાં આવેલી બાબત બાદ સુરક્ષા મજબૂત કરવામાં આવી છે.

Share This Article