જમ્મુ : અમરનાથ યાત્રા સઘન સુરક્ષા વચ્ચે જારી છે.આ વખતે ૧.૭૬ લાખ લોકો હજુ સુધી દર્શન કરી ચુક્યા છે અને લાખો શ્રદ્ધાળુઓ હજુ દર્શન કરવા માટે ઉત્સુક છે.અમરનાથ યાત્રા હાલમાં આગળ વદી રહી છે. હજુ લાખો શ્રદ્ધાળુઓ ઉત્સુક છે. હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીના મોતના દિવસે એટલે કે ૮મી જુલાઇના દિવસે પણ અમરનાથ યાત્રાને સાવચેતીરુપે બંધ રાખવામાં આવી હતી. યાત્રા ગઇકાલે ફરી શરૂ થયા બાદ શ્રદ્ધાળુઓની ૧૩મી ટુકડી બે બેઝ કેમ્પ માટે રવાના થઇ હતી જેમાં પ્રથમ ટુકડી બાલતાલ બેઝકેમ્પ માટે અને બીજી ટુકડી પહેલગામ બેઝકેમ્પ માટે રવાના થઇ હતી.
શ્રદ્ધાળુઓની ૧૩મી ટુકડીમાં ૭૯૯૩ શ્રદ્ધાળુઓ હતા. વહેલી પરોઢે સઘન સુરક્ષા વ્યવસ્થામાં ભગવતીનગર બેઝકેમ્પથી રવાના થઇ હતી અને મોડી સાંજે પહોંચી હતી. અધિકારીઓના કહેવા મુજબ આ શ્રદ્ધાળુઓ પૈકી એક ટુકડી અનંતનાગ જિલ્લામાં પરંપરાગત ૩૬ કિલોમીટરના પહેલગામ રુટ માટે રવાના થયા હતા જ્યારે ગંદરબાલ જિલ્લાના ૧૨ કિલોમીટરના બાલતાલ કેમ્પ માટે ૨૭૩ શ્રદ્ધાળુ રવાના થયા હતા. ૪૬ દિવસ સુધી ચાલનાર અમરનાથ યાત્રા માટે હજુ સુધી બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે જ્યારે ૧.૭૫ લાખ જેટલા શ્રદ્ધાળુ દર્શન પણ કરી ચુક્યા છે.
આ વર્ષે જ ભારતે પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી કેમ્પો પર હવાઇ હુમલા કર્યા હતા. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ તંગ બનેલા છે. આવી સ્થિતીમાં અમરનાથ યાત્રાને સફળ રીતે પાર પાડવાની બાબત સરળ દેખાઇ રહી નથી. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. આ વખતે કેન્દ્રત સરકાર યાત્રાને લઇને વધારે સાવધાન રહેલી છે. તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે.