જમ્મુ : વાર્ષિક અમરનાથ યાત્રામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા વધીને ૫૦ હજારના આંકડાને પાર કરી ગઇ છે. બીજી બાજુ અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓનો કાફલો આજે પણ સવારમાં રવાના કરવામાં આવ્યો હતો. બેઝ કેમ્પ ભગવતી નગર જમ્મુથી ૨૩૬ નાના મોટા વાહનોમાં ૫૫૨૨ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. જે પૈકી બાલટાલ રૂટ માટે કુલ ૨૫૨૦ પ્રવાસીઓ રવાના કરવામાં આવ્યા હતા. જેમાં ૧૯૫૫ પુરૂષો, ૫૧૭ મહિલાઓ અને નવ બાળકો સામેલ છે. ૩૯ સંતો પણ આમા સામેલ છે. આવી જ રીતે પહલગામ રૂટ માટે ૩૦૦૨ શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા હતા. જેમાં ૨૫૦૧ પુરૂષો અને ૩૫૪ મહિલાઓ સામેલ છે. ૨૨ બાળકો પણ આમાં સામેલ છે. ૧૨૫ સંતોનો પણ સમાવેશ થાય છે. અમરનાથ યાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વખતે ૪૦ હજારથી વધારે સુરક્ષા જવાનો તૈનાત કરવામા આવ્યા છે.
હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે.
આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રખાયા છે. અમરનાથ યાત્રા પહેલી જુલાઈના દિવસે શરૂ થયા બાદ ૧૫મી ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે ૪૫ દિવસ સુધી અમરનાથ યાત્રા ચાલશે. આ વખતે અમરનાથ યાત્રાને સાનુકુળરીતે પાર પાડવા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમરનાથ યાત્રામાં ત્રાસવાદી હુમલાનો ભય હોવા છતાં શ્રદ્ધાળુઓમાં કોઇ દહેશત દેખાઈ રહી નથી. ૪૦૦૦૦ જેટલા જવાનો તૈનાત કરાયા છે.