અમદાવાદ: કોંગ્રેસ પક્ષ ધ્વારા ઠાકોર સમાજના યુવા નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્કેશ ઠાકોરને રાષ્ટ્રીય સચિવ તરીકેની બઢતી આપી મહત્વની જવાબદારી સોપવામાં ગુજરાત કોંગ્રેસમાં ભારે ચર્ચા ચાલી છે. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં ઠાકોર ક્ષત્રિય સેનાના બેનર હેઠળ મજબુત સંગઠન ધરાવતા અલ્પેશ ઠાકોરની આ જવાબદારી સાથે બિહારમાં સહપ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે.
અલ્પેશ ઠાકોરને રાષ્ટ્રીય સચિવ સાથે બિહારમાં સહપ્રભારી તરીકેની બઢતી અને જવાબદારી અપાતાં રાજયના ઠાકોર સમાજમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે, તો બીજીબાજુ, અલ્પેશ ઠાકોરનું ખૂબ જ ટૂંકા સમયમાં રાષ્ટ્રીય રાજકરણમાં કદ વધતાં કોંગ્રેસના એક જૂથમાં આંતરિક નારાજગી અને અસંતોષ પણ છવાયા છે. કોંગ્રેસના એક જૂથમાં એવી નારાજગી પ્રવર્તી રહી છે, કોંગ્રેસ પક્ષમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા કરનાર અને પક્ષ માટે સમર્પિત લોકો અને આગેવાનોને અવગણી અલ્પેશ ઠાકોર જેવા પક્ષમાં હમણાં જ આવેલા અને હજુ સુધી એવી કોઇ નોંધપાત્ર કામગીરી કે પરિણામ દેખાડી નહી શકનાર લોકોને અચાનક આ પ્રકારે બઢતી કે મહત્વની જવાબદારી સોંપી દેવાય તે કેટલા અંશે વ્યાજબી અને ન્યાયી છે? જો કે, કોંગી હાઇકમાન્ડે કોઇપણ નારાજગીને ધ્યાનમાં લીધા વિના અલ્પેશ ઠાકોરને મહત્વની જવાબદારી સોંપી હતી.
ભાજપ સરકાર સામે દારૂબંધી અને રોજગારીના મુદ્દે આંદોલન કરી પોતાની ઓળખ ઉભી કરનાર અલ્પેશ ઠાકોર ગુજરાત વિધાનસભાની ગત વિધાનસભા ચુંટણી પહેલા જ કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર અનેક તર્ક-વિતર્ક પછી કોંગ્રેસનો ખેસ પહેરી રાધનપુરમાંથી ચુંટણી લડ્યા હતા. આ ચુંટણી અને તે પછી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે નિકટતા કેળવનાર રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રાષ્ટ્રીય કક્ષાએ કોઈ જવાબદારી સોપવામાં આવશે તેવું થોડા સમયથી ચર્ચાઈ રહ્યું હતું. તે મુજબ, હવે અલ્પેશ ઠાકોરની એઆઇસીસીના સચિવ તરીકે નિમણુક કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ ધ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, આ સાથે અલ્પેશ ઠાકોરને બિહાર રાજ્યમાં સહપ્રભારી તરીકેની જવાબદારી પણ સોપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અત્યારે બિહારમાં પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય સંગઠનમાં થોડા સમયથી કરવામાં આવી રહેલા ફેરફારોમાં બે દિવસ પહેલા જ રાજ્યસભાના કોંગ્રેસના સભ્ય અહેમદ પટેલની ખજાનચી તરીકે નિમણુક કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ તરીકે નિમણુક કરતા ખાસ કરીને ઓબીસી વર્ગ માટે કોંગ્રેસનો પ્રભાવ ઉભો કરવા પ્રયાસ કરાશે.