વિવાદ બાદ અલ્પેશ ઠાકોરનું આખરે કોંગીમાંથી રાજીનામું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પક્ષ પલટા અંગે ચર્ચા ચાલી રહી હતી પરંતુ અનેક નાટકો અને વિવાદ બાદ આખરે અલ્પેશ ઠાકોરે આજે કોંગ્રેસમાંથી પોતાનું વિધિવત્‌ રાજીનામું આપી દીધું હતું. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા અને સભ્પપદેથી રાજીનામું આપી દીધું છે. એકબાજુ, લોકસભાની ચૂંટણી પહેલાં અલ્પેશે કોંગ્રેસ છોડતાં કોંગ્રેસને ફટકો પડયો છે પરંતુ બીજીબાજુ, હજુ અલ્પેશના ભાજપમાં પ્રવેશને લઇ પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. કારણ  કે, ખુદ ભાજપના જ ઠાકોર આગેવાનો અલ્પેશને ભાજપમાં લેવા સામે અત્યારથી જ વિરોધ કરી રહ્યા છે.

અલ્પેશ ઠાકોરે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પોતાના તમામ પદથી રાજીનામું મોકલી આપ્યું હતું. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં સતત તેની થઇ રહેલી અવગણના અને અપમાનના કારણે રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો છે અને તો, સાથે સાથે તેના માટે ઠાકોર સેના અને સમાજ સર્વોપરી હોવાનું જણાવ્યું છે. બીજીબાજુ, લોકસભા ચૂંટણી ટાણે અલ્પેશ ઠાકોરના રાજીનામાને લઇ રાજકારણ ગરમાયું છે. જો કે તે ભાજપમાં જોડાશે કે નહીં તે બાબતે પ્રશ્નાર્થ છે. કારણ કે, રાજકીય ગલિયારામાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે, અલ્પેશ ઠાકોરના ભાજપ સાથે થયેલા સોદા મુજબ, અલ્પેશના સાથી ધારાસભ્યો એવા ભરતજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ છોડવા તૈયાર ના થતાં અલ્પેશની બાજી ઉંધી પડી રહી છે. જ્યારે અલ્પેશ સાથે હાલ માત્ર એક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે. જો અલ્પેશ ઠટ્ઠાકોર કોંગ્રેસ છોડી દીધા બાદ હવે ભાજપમાં તેને પ્રવેશ મળે છે કે કેમ તે પણ એક સવાલ છે.

અલ્પેશ ઠાકોરના રાજીનામા પહેલાં ઉઠેલી અટકળો અંગે આજે ભાજપના અપ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર ભાજપના સંપર્કમાં નથી. જ્યારે ઠાકોર સેનામાં પણ અલ્પેશ ઠાકોર સામે વિરોધનું વાતાવરણ ઉભું થતા અલ્પેશનું રાજકીય ભવિષ્ય હવે સવાલોના ઘેરામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તમામ હોદ્દા પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જશે એવી વહેતી થયેલી અટકળો વચ્ચે તેના સાથીદાર ધવલસિંહે આ મામલે ચૂપકીદી સેવીને કહ્યું હતું કે, ભરતજી અને અલ્પેશ સાથે મળીને કોઈ અંતિમ નિર્ણય લઈશ. ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ સામે માત્ર બનાસકાંઠા ભાજપના ઠાકોર આગેવાનો જ નહીં પરંતુ ગુજરાતના મોટાભાગના ઠાકોર આગેવાનોએ ભાજપના પ્રદેશ નેતાઓને મળીને અલ્પેશ ઠાકોરને ભાજપમાં ન લેવા રજૂઆત કરી છે.

Share This Article