નવી દિલ્હી : સીબીઆઇમાં ઝડપથી ઘટનાક્રમનો દોર જારી રહ્યો છે. હવે રજા પર મોકલી દેવામાં આવેલા આલોક વર્મા કેન્દ્ર સરકારના નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટમાં હવે ૨૬મી ઓક્ટોબરના દિવસે સુનાવણી કરવામાં આવનાર છે. બીજી બાજુ નાગેશ્વર રાવે જવાબદારી સંભાળી લીધા બાદ સીબીઆઇના અધિકારીઓની મોટા પાયે બદલીનો દોર શરૂ થયો છે. તરત જ અનેક અધિકારઓની બદલી કરવામાં આવી છે.
ડીએસપી સીબીઆઇ એકે બસ્સીને પોર્ટ બ્લેયર મોકલી દેવામાં આવ્યા છે. એડિશનલ એસપી સીબીઆઇ એસએસ ગુમની બદલી જબલપુરમાં કરવામાં આવી છે. સીબીઆઇના ડીઆઇજી મનીષ કુમાર, ડીઆઇજી તરૂણ ગૌબા અને અન્યોમની પણ બદલી કરવામા આવી છે. અગાઉ સીબીઆઇની અંદર નંબર-૧ અને નંબર-૨ની લડાઇની વચ્ચે કેન્દ્ર સરકારે અતિ કઠોર વલણ અપનાવીને આખરે રાતોરાત જ તપાસ ટીમ બદલી નાંખી હતી.
બુધવાર રાત્રીન લઇને આજે સવાર સુધી એવો ઘટનાક્રમનો દોર ચાલ્યો હતો જેવો દોર દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઇના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ચાલ્યો નથી. હજુ સુધી આ મામલામાં સમાધાનના પ્રયાસમાં લાગેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે સીવીસીની ભલામણ મળતાની સાથે જ ખુબ જ કઠોર વલણ અપનાવીને સીબીઆઇના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના બંનેને રજા પર મોકલી દીધા હતા.