નવી દિલ્હી : ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે કહ્યું હતું કે, સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા સારા અધિકારી છે અને ભ્રષ્ટાચારની સામે સારી કામગીરી અદા કરી રહ્યા હતા. સ્વામીએ વડાપ્રધાનને અપીલ કરી હતી કે, વર્માની સામે કરવામાં આવેલી કાર્યવાહી પર ફેર વિચારણા કરવી જાઇએ. સ્વામીએ કહ્યું હતું કે તેમને મોદી ઉપર પૂર્ણ વિશ્વાસ છે પરંતુ તેમની આસપાસ રહેલા લોકો મોદી અને ભાજપને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે.
સીબીઆઈના છેડાયેલા વિવાદ બાદ સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકારે મંગળવારના દિવસે રજા ઉપર મોકલી દીધા હતા. એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમદાવાદ પહોંચેલા સ્વામીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારની સામે વર્મા સારુ કામ કરી રહ્યા હતા. મોદી વર્માને દૂર કરવાના નિર્ણય પર ફેર વિચારણા કરવાની જરૂર છે. વર્મા એક સારા ઓફિસર છે જ્યારે અસ્થાના એક ભ્રષ્ટ અધિકારી હતા. આ સંબંધમાં તેમની પાસે કોઇ પુરાવા છેકે કેમ તે અંગે પુછવામાં આવતા સ્વામીએ કહ્યું હતું કે, પુરાવા વગર તેઓ કોઇની સામે નિવેદન કરતા નથી. સ્વામીએ કહ્યું હતુંકે, નિરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યાના મામલામાં લુકઆઉટ નોટિસને નબળી કરવામાં આવી હતી. આના લીધે ભાજપને નુકસાન થયું છે.