ભારત સાથે વ્યાપારિક સંબંધ સારા કરવાની વાત પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યું છે. આ મુદ્દે પ્રધાનમંત્રીએ આજે કેબિનેટની બેઠક બોલાવી હતી. તેમાં ટ્રેડ મિનિસ્ટરની નિમણૂક કરવા પર ચર્ચા થઈ. ત્યારબાદ બેઠકમાં કમર ઝમાનને ભારતમાં ટ્રેડ મિનિસ્ટર બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ભારત સાથે વ્યાપાર સુધારવાનો પ્રયાસ પાકિસ્તાન આ પહેલાં પણ કરી ચુક્યુ છે. પાકિસ્તાનના મોટા નેતા અને અધિકારીઓ ભારત સાથે વ્યાપારની વાત કરી ચુક્યા છે. આ પહેલા પાકિસ્તાનના બિઝનેસ ગ્રુપના ચેરમેને ભારતની સાથે વ્યાપારિક સંબંધ શરૂ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વ્યાપાર થવાથી દેશમાં ચાલી રહેલી મોંઘવારીને ઘટાડી શકાય છે.
તેનાથી ઘણી વસ્તુના ભાવમાં ઘટાડો કરી શકાય છે. છેલ્લા ઘણા સમયથી આર્થિક સ્થિતિને લઈને ચિંતામાં રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ મોટો ર્નિણય લીધો છે. હવે પાકિસ્તાને પાડોશી દેશ ભારતની સાથે વ્યાપારને લઈને એક મોટુ પગલું ભર્યુ છે. પાકના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભારતની સાથે વ્યાપાર માટે એક ટ્રેડ મિનિસ્ટરની નિમણૂક કરવાને મંજૂરી આપવામાં આવી છે.
પાકિસ્તાનમાં રાજકીય સંકટ બાદ સત્તા પરિવર્તન થયું છે. ઇમરાન ખાનની વિદાય બાદ શાહબાઝ શરીફે દેશની કમાન સંભાળી છે. હવે પ્રધાનમંત્રી દ્વારા દેવામાં ડૂબેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત સાથે વ્યાપાર વધારવો પણ આ કવાયતનો ભાગ છે.