જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત અને સલામત

Rudra
By Rudra 1 Min Read

જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ ૫૦ યાત્રીકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર શ્રી આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ લેન્ડ સ્લાઇડીંગની ઘટનામાં ગુજરાતી યાત્રિકો ફસાયા હોવાની જાણ થતાં જ તેમણે રાહત કમિશનર તંત્રને જમ્મુ કાશ્મીર સરકારના સંબંધિત તંત્રનો સંપર્ક કરી આ યાત્રાળુઓની સુરક્ષા સલામતીનો પ્રબંધ કરવા સૂચના આપી હતી.

મુખ્યમંત્રીની સૂચના અને દિશા નિર્દેશોને પગલે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જમ્મુ કાશ્મીરના સંબંધિત તંત્ર વાહકોનો તાત્કાલિક સંપર્ક કરીને ગુજરાતના યાત્રિકોની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

રાહત કમિશનર પાંડેએ આ સંદર્ભમાં વધુ વિગતો આપતા કહ્યું કે, ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ બસ લેન્ડ સ્લાઈડીંગથી દૂર સેઈફ ઝોનમાં છે તેમજ બધા જ મુસાફરો પણ સુરક્ષિત છે.
આર્મીના જવાનોએ ગુજરાતના આ મુસાફરોને ભોજન, પાણી વગેરે પહોંચાડ્યું છે. એટલું જ નહીં, તમામ યાત્રીકોની રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે.
ગુજરાતના આ મુસાફરોને હાલ કોઈ મેડિકલ ઈમરજન્સી પણ નથી તેમજ જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા લેન્ડ સ્લાઈડીંગમાં ફસાયેલી ટ્રાવેલ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે તેમ પણ રાહત કમિશનરએ ઉમેર્યું હતું.

આ વિષયે વધુ માહિતી માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર-ગુજરાત-૦૭૯ ૨૩૨ ૫૧૯૦૦નો સંપર્ક જરૂર જણાયે કરી શકાશે. તેમ પણ રાહત કમિશનરએ જણાવ્યું હતું.

Share This Article