બર્મિગ્હામ : કઠોર ડ્રો મળ્યો હોવા છતા ભારતની ટોચની બેડમિંટન ખેલાડ પીવી સિંધૂ અને સાયના નેહવાલ આવતીકાલથી શરૂ થઇ રહેલી ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં ભારતનું આ ચેમ્પિયનશીપ જીતાવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આશરે બે દશકના લાંબા ગાળા બાદ આ ઇંતજારને ખતમ કરવા પીવી સિંધૂ અને સાયના નેહવાલ સંપૂર્ણપણે સજ્જ છે. સિંધૂ અને સાયનાના મેન્ટોર રહેલા અને હાલના મુખ્ય રાષ્ટ્રીય કોચ ઉલેલા ગોપીચંદે કહ્યું છે કે, ૨૦૦૧માં તેના દ્વારા આ ટ્રોફી જીતવામાં આવ્યા બાદ તેને પીવી અને સાયના નેહવાલ પાસેથી સારા દેખાવની અપેક્ષા છે.
વર્લ્ડ બેડમિંટન એસોસિએશન દ્વારા વર્લ્ડ રેકિંગમાં ટોચની ૩૨ ખેલાડીઓમાં ભારતની માત્ર ૩ ખેલાડીઓને ક્રમ આપવામાં આવ્યા છે. પીવી સિંધૂ અને સાયના નેહવાલ ઉપરાંત પુરુષ સિંગલ્સમાં શ્રીકાંતને ૭માં ક્રમાંક આપવામાં આવ્યા બાદ જારદાર ઉત્સુકતા છે. ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનાર પીવી સિંધૂ આ વખતે ૧૦ લાખ ડોલરની આ સ્પર્ધામાં પોતાના અભિયાનની શરૂઆત દક્ષિણ કોરિયાની દુનિયાની બીજા નંબરની ખેલાડી સુંગજી સામે રમીને કરશે. સુંગજી સામે પીવી સિંધૂ છેલ્લી ૧૪ મેચોમાંથી આઠ મેચો જીતી ચુકી છે. છમાં તેની હાર થઇ છે. જા કે, છેલ્લી ત્રણ મેચોમાં સિંધૂની બે વખત હાર થઇ છે. છેલ્લા વખતે સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચી ગયા બાદ પીવી સિંધૂ હારી ગઈ હતી.
બીજી બાજુ સાયના નેહવાલને પણ મુશ્કેલ ડ્રો મળ્યો છે. ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર અને આઠમી ક્રમાંકિત ખેલાડી સાયના નેહવાલ પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગીલમોર સામે રમશે. સાયનાએ ક્રિસ્ટીની સામે પોતાની હજુ સુધી તમામ છ મેચો જીતી છે. સાયના ભારતની વર્તમાન ખેલાડીઓમાં એક માત્ર એવી ખેલાડી છે જે ઓલ ઇંગ્લેન્ડની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. ૨૦૧૫માં તે રનઅર્સ અપ રહી હતી. સાયનાએ આ વર્ષે સારી શરૂઆત કરી છે અને જાન્યુઆરી મહિનામાં જ ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં વિજેતા બની હતી. ત્યારબાદ પીવી સિંધૂને હરાવીને રાષ્ટ્રીય ચેમ્પિયન બની હતી. આ ભારતીય ખેલાડી બીજા રાઉન્ડમાં ડેન્માર્કની લાઈનહોમાર્ક સામે રમશે. પુરુષ સિંગલમાં શ્રીકાંત પ્રથમ દોરમાં ફ્રાંસના બ્રાઇસ સામે ટકરાશે.