એકદિવસીય ક્રિકેટ મેચમાં અત્યાર સુધી નોંધાઇ ચૂકી છે ૭ (સાત) ડબલ સેન્ચુરી જાણો વિગતવાર
ખબરપત્રીઃ ૧૩ ડિસેમ્બર, ૨૦૧૭: શ્રીલંકા સામે રમાયેલી બીજી એકદિવસીય ક્રિકેટ મેચમાં રોહિત શર્માએ બેવડી સદી નોંધાવી અને સાથે જ રચી દીધો ઇતિહાસ. આ પહેલા પણ રોહિતે બે વાર બેવડી સદી નોંધાવી છે. મોહાલી ખાતે રમાયેલ શ્રીલંકા સામેની મેચમાં રોહિતે અણનમ રહી ૧૫૩ બોલમાં ૨૦૮ રન ફટકારી પોતાની કારકિર્દીની ત્રીજી બેવડી સદી નોંધાવી ઇતિહાસ રચી દીધો છે. ઉલ્લેખનીય છે કે એક દિવસીય ક્રિકેટ મેચમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ રોહિત શર્મા નામે જ છે.
આ સાથે જ એકદિવસીય ક્રિકેટમાં ૭ (સાત)મી બેવડી સદી નોંધાઇ હતી. આપને જાણીને આશ્ચર્ય થશે કે તમામ નોંધાયેલી ૭ બેવડી સદીઓ પૈકી ૫ (પાંચ) બેવડી સદીઓ તો ભારતની ભૂમી પર જ નોંધાયેલ છે. આ તમામ બેવડી સદીઓ કોણે અને કયાં નોંધાવી છે તે વિશે વાત કરીએ તો,
અત્યાર સુધી નોંધાઇ ચૂકી છે સાત બેવડી સદીઃ
પ્રથમ બેવડી સદીઃ
એકદિવસીય ક્રિકેટ મેચમાં સૌ પ્રથમ બેવડી સદી નોંધવનાર ખેલાડી પણ ભારતીય જ છે. ગ્વાલિયર ખાતે ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલ એકદિવસીય મેચમાં સચિન તેંદુલકરે ૧૩૬.૦૫ની સ્ટ્રાઇક રેટ સાથે અણનમ ૨૦૦ રન નોંધાવી ક્રિકેટ ઇતિહાસની પ્રથમ બેવડી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
બીજી બેવડી સદીઃ
એકદિવસીય ક્રિકેટ મેચમાં બીજી બેવડી સદી નોંધવનાર ખેલાડી પણ ભારતીય જ છે. ઇન્દોરના હોલ્કર સ્ટેડિમ ખાતે ૮ ડિસેમ્બર,૨૦૧૧માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમતા વિરેન્દ્ર સહેવાગે ૧૪૬.૯૮ની સ્ટ્રાઇક રેટથી ૨૧૯ રન બનાવ્યાં હતા. જે એકદિવસીય ક્રિકેટ મેચમાં નોંધાયેલ બીજી બેવડી સદી હતી.
ત્રીજી, ચોથી અને સાતમી બેવડી સદીઃ
રોહિત શર્માએ એકદિવસીય ક્રિકેટ મેચમાં શ્રીલંકા સામે સાતમી બેવડી સદી નોંધાવી આ તેની ત્રીજી વખતની બેવડી સદી છે. મોહાલી ખાતે શ્રીલંકા સામે ૧૩ ડિસેમ્બર, ૨૦૧૭માં નોંધાયેલ બેવડી સદી ૧૩૫.૯૫ની સ્ટ્રાઇક રેટ સાથે ૧૨ ફોર અને ૧૩ સિક્સ ફટકારી અણનમ ૨૦૮ સાથે નોંધાવી આ સિદ્ધિ પ્રાપ્ત કરી.
આ પહેલા રોહિત શર્માએ ૨ નવેમ્બર, ૨૦૧૩માં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરૂ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમતા ૧૩૨.૨૮ની સ્ટ્રાઇક રેટ સાથે ૨૦૯ રન ફટકારી ત્રીજી બેવડી સદી નોંધાવી છે. ઉપરાંત, ૧૩ નવેમ્બર, ૨૦૧૪માં ઇડન ગાર્ડન ખાતે શ્રીલંકા સામે રમાયેલ એકદિવસીય ક્રિકેટ મેચમાં ૧૫૨.૬૦ની સ્ટ્રાઇક રેટ સાથે ૨૬૪ રન ફટકારી ચોથી બેવડી સદી નોંધાવી છે.
પાંચમી બેવડી સદીઃ
કેનબેરા, ઓસ્ટ્રેલિયામાં ૨૪ ફ્રેબુઆરી, ૨૦૧૫માં એકદિવસીય ક્રિકેટ મેચમાં ઝિમ્બાવે સામે રમતા વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી ક્રિસ ગેલે ૧૪૬.૩૦ની સ્ટ્રાઇક રેટ સાથે ૨૧૫ રન નોંધાવી ક્રિકેટ ઇતિહાસની પાંચમી બેવડી સદી નોંધાવી હતી.
છઠ્ઠી બેવડી સદીઃ
૨૨ માર્ચ, ૨૦૧૫ના રોજ વેલિગ્ટન રિજનલ સ્ટેડિયમ, ન્યુઝીલેન્ડ ખાતે રમાયેલ એકદિવસીય ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ન્યુઝીલેન્ડના ખેલાડી માર્ટિન ગુપ્તિલે ૧૪૫.૪૦ની સ્ટ્રાઇક રેટ સાથે અણનમ ૨૩૭ રન નોંધાવી ક્રિકેટ ઇતિહાસની છઠ્ઠી બેવડી સદી નોંધાવી હતી.
આમ એકદિવસીય ક્રિકેટ મેચમાં બેવડી સદી નોંધવાનાર ખેલાડીઓની સંખ્યા માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે ત્યારે ત્રણ વાર બેવડી સદી નોંધાવનાર રોહિત શર્મા એક માત્ર ખેલાડી છે. વર્તમાન સમયને જોતા લાંબા સમય સુધી તેના આ રેકોર્ડને તોડવું એ અશક્ય લાગી રહ્યું છે.