અલીગઢ : ઉત્તરપ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની બાળકીની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા તીવ્ર બનાવી દીધી છે. આ ગાળા દરમિયાન પોલીસે આજે વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. અલીગઢમાં બાળકીની ખુબ જ કરપીણ હત્યા કરવામાં આવ્યા બાદ દેશભરમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું છે ત્યારે આ સંદર્ભમાં પોલીસ ઉપર પણ દબાણ વધી ગયું છે. મામલામાં તપાસ કરી રહેલી એસઆઈટીની ટીમને શંકા છે કે, હત્યા બાદ બાળકીના મૃતદેહને ફ્રિઝમાં મુકી દેવામાં આવ્યો હતો. શનિવારના દિવસે આજે કમકમાટીભરી ઘટનાને અંજામ આપનાર ત્રીજા આરોપી મેંહદી હસનની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ચોથી મહિલા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ મહિલા આરોપી જાહિદની પત્નિ હોવાનું જાણવા મળ્યું છે. મેંહદી હસન અને મહિલા આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં પકડી પાડવામાં આવેલા મહેંદી હસન અને મહિલા આરોપીની પુછપરછ ચાલી રહી છે. જાહીદ અને અસલમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. અઢી વર્ષની બાળકીની હત્યાના મામલામાં મુખ્ય આરોપી જાહીદ અને તેની પત્નિ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ચાર લોકોની ધરપકડ કરવામાં આવ્યા બાદ પુછપરછ ચાલી રહી છે. માતા પિતા દ્વારા ઉછીના લેવામાં આવેલા ૧૦૦૦૦ રૂપિયા ન ચુકવવાના મામલામાં બાળકીની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ સોશિયલ મિડિયા ઉપર આકરી પ્રતિક્રિયા કરવામાં આવી હતી.
વિવાદ વધુ ગંભીર બન્યા બાદ ગુરુવારે મોડી રાત્રે પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે, બાળકી જ્યારે ગાયબ થઇ ગઇ ત્યારે આ સંદર્ભમાં પોલીસ રિપોર્ટ કરવામાં આવ્યો ન હતો. તપાસમાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો. પોલીસના કહેવા મુજબ આરોપી જાહિદની પાસેથી બાળકીના પરિવારે ૫૦૦૦૦ રૂપિયા ઉછીના લીધા હતા તેમાંથી ૧૦૦૦૦ રૂપિયા બાકી હતા. પૈસા નહીં મળવાની સ્થિતિમાં ૨૮મી મેના દિવસે જાહિદની બાળકીના પરિવાર સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ૩૦મી મેના દિવસે બાળકીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તેની હત્યા કરીને અસલમની મદદથી મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો. પરિવારને બાળકીનો મતૃદેહ બીજી જૂનના દિવસે ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાથી દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે હવે ઉંડી તપાસ હાથ ધરી છે.