નવી દિલ્હીઃ ચીનની મહાકાય અને વિશાળ ઈન્ટરનેટ અને ઈ-કોમર્સ કંપની અલીબાબાની નજર હવે ફરી એકવાર ભારતીય રિટેઈલ સેકટર ઉપર કેન્દ્રત થઈ ગઈ છે. આના માટે ફરી એકવાર ભારતની પ્રભાવશાળી કંપનીની સાથે વાતચીતનો દોર શરૂ કરી દીધો છે. અલીબાબા દ્વારા રિલાયન્સ અને ટાટા સાથે પણ વાતચીત કરવામાં આવી છે.
અલીબાબાના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તાતા ગ્રુપ અને કિશોર બિયાનીના ફ્યુચર રિટેઈલ સાથે પણ વાતચીત ચાલી રહી છે. આ મામલાની માહિતી ધરાવનાર લોકોએ આ અંગેની માહિતી આપી છે. રિલાયન્સની સાથે અલીબાબાની ચર્ચા નવી છે, પરંતુ ટ્રેટના ચેરમેન નોયેલ ટાટા, ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી સાથે પહેલા વાતચીત થઈ હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ, તાતા અને ફ્યુચર ગ્રુપની રિટેઇલ સેકટરમાં જોરદાર હાજરી રહેલી છે, જે અલીબાબાના ઓમની ચેનલ બ્લુપ્રિન્ટ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ઓમની ચેનલ અથવા તો મલ્ટી ચેનલ રિટેઈલ ખરીદારોને ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોરથી સરળતાથી ખરીદારીની સુવિધા ઉબલબ્ધ કરાવે છે. અલીબાબા આમાં કોઈ એક કંપનીના રિટેઈલ બિઝનેસમાં હિસ્સેદારી ખરીદી શકે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તાતા તરફથી આ સંદર્ભમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. બિયાનીનું કહેવું છે કે અલીબાબાની સાથે કોઈપણ પ્રકારની વાતચીત થઈ નથી.
એક અન્ય વ્યક્તિએ કહ્યું છે કે અલીબાબાએ સંભવિત પાર્ટનરો માટેની એક યાદી બનાવી છે. અલીબાબા પોતાના પ્લાન ઉપર ફરી એકવાર સક્રિય છે. અમેરિકી રિટેઈલ કંપનીની વોલમાર્ટે ફ્લિપકાર્ટને ૧૬ અબજ ડોલરમાં ખરીદી લીધા બાદ આ દિશામાં અન્ય કંપનીઓ પણ સક્રિય થઈ ચુકી છે. ૨૦૧૭-૧૮માં ૧૦ અબજ ડોલરનો નફો, ૪૦ અબજ ડોલરના મહેસુલી રકમ મેળવી લેનાર અલીબાબાનો પેટીએમમાં હિસ્સો છે.