લખનૌ : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં થયેલા નક્સલી હુમલા બાદ સુરક્ષા સંસ્થાઓ સાવધાન થઇ ગઈ છે. દેશમાં નક્સલવાદીગ્રસ્ત અન્ય ક્ષેત્રોની સાથે સાથે ઉત્તરપ્રદેશમાં પણ ખતરો તોળાઈ રહ્યો છે. ઇન્ટેલીજન્સ બ્યુરોએ ઉત્તરપ્રદેશના નક્સલવાદીગ્રસ્ત સોનભદ્ર, મિરઝાપુર, ચંદોલી જિલ્લામાં એલર્ટની સાથે સાથે નેપાળની સરહદ સાથે જાડાયેલા ક્ષેત્રમાં સાવચેતી રાખવા માટેના આદેશ જારી કરાયા છે. આઇબી તરફથી એલર્ટ ઉત્તરપ્રદેશની પોલીસ માટે જારી કરાયા છે. અત્રે નોંધનીય છે કે, મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બુધવારના દિવસે નક્સલવાદીઓના છુપા હુમલામાં ૧૫ જવાન શહીદ થયા હતા. આ તમામ જવાન મહારાષ્ટ્રના સી-૬૦ કમાન્ડો ટીમના હતા. નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા આઈઇડી બ્લાસ્ટમાં ક્વિક રિસ્પોન્સ ટીમના જવાનો સકંજામાં આવ્યા હતા.
છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં ૧૧૫૦ સુરક્ષા જવાનો નક્સલવાદી અભિયાનમાં મૃત્યુ પામ્યા છે. દેશના ૧૧ રાજ્યોમાં રેડ કોરિડોર ક્ષેત્ર છે. કુલ ૯૦ જિલ્લાઓમાં નક્સલવાદીઓ હજુ પણ પ્રભાવ ધરાવે છે. નક્સલવાદીઓ અનેક વખત રક્તપાત કરીને સરકારની મુશ્કેલી વધારતા રહ્યા છે. છઠ્ઠી એપ્રિલ ૨૦૧૦ના દિવસે દાંતેવાડા જિલ્લાના ચિંતલનાર વન્ય વિસ્તારમાં નક્સલવાદીઓએ ૭૫ જવાનો સહિત ૭૬ લોકોની હત્યા કરી હતી. ચોથી એપ્રિલ ૨૦૧૦માં ઓરિસ્સાના કોરાપુટમાં પોલીસે એ બસ પર હુમલો કર્યો હતો.આઈબીના અહેવાલ બાદ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે. મોટાભાગે નક્સલીઓ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બંગાળમાં સક્રિય રહ્યા છે પરંતુ આ વખતે ઉત્તરપ્રદેશ માટે પણ એલર્ટની જાહેરાત કરાઈ છે.