ગુપ્તચર સંસ્થાઓને ૧૫મી ઓગષ્ટના દિવસે આપી એલર્ટ રહેવાની સુચના અપાઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હીઃ ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદ અને લશ્કરે તોયબાના ૧૨ ત્રાસવાદી દિલ્હીમાં ઘુસી ગયા હોવાના હેવાલ મળ્યા છે. જેમાં જેશના પાંચ ત્રાસવાદીઓ અને લશ્કરે તોયબાના સાત ત્રાસવાદી સામેલ છે. એવી શંકા છે કે આ વખતે ત્રાસવાદીઓ મળીને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને લાલ કિલ્લાને ફુંકી મારવા માટેની યોજના ધરાવે છે. ગુપ્તચર સંસ્થાઓને ૧૫મી ઓગષ્ટના દિવસે તૈયારી કરવા માટેની સુચના આપી દેવામાં આવી છે.

સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ વખતે ખતરો વધારે છે. ટાર્ગેટ દિલ્હી છે, કારણ કે કેટલાક વર્ષોથી ત્રાસવાદી કોઇ મોટા હુમલાને અંજામ આપવામાં સફળ રહ્યા નથી. જેથી કેટલાક સંગઠનના ત્રાસવાદી મળીને હુમલા કરી શકે છે. સુત્રોએ કહ્યુ છે કે કેટલાક સંગઠન દિલ્હીમાં કેટલાક મોટા હુમલા કરવાની તૈયારી કરી રહ્યા છે. હાલમાં જ ઉત્તરપ્રદેશમાં નોઇડામાંથી બે બાંગ્લાદેશી ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા છે. આની સાથે જ હુમલાની ઘાતક યોજના નિષ્ફળ કરી દેવામાં આવી છે.

ઝડપાયેલા આ બંને ત્રાસવાદીઓની ઓળખ મુશર્રફ હુસૈન અને રુબેલ અહેમદ તરીકે થઇ છે. બંને આતંકવાદીઓ નોઇડામાં છુપાયેલા હતા. ઉત્તરપ્રદેશની એન્ટી ટેરર ટીમ અને પશ્ચિમ બંગાળ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ આ બંને ત્રાસવાદીઓની ધરપકડમાં નજીકના સંકલનથી કામ કરી રહ્યા હતા. આ ત્રાસવાદીઓ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

૧૫મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે અને મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં જ યોજાનાર છે ત્યારે આને મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. ઇન્ટેલીજન્સ સંસ્થાઓએ પહેલાથી  સ્વતંત્રતા દિવસ પહેલા પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો તરફથી મોટા આતંકવાદી હુમલાની ચેતવણી જારી કરી છે. સઇદ મુનિર હુસૈન કાદરી, આશીક બાબા અને તારીક અહેમદના નેતૃત્વમાં ત્રાસવાદીઓ તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ત્રણેય ત્રાસવાદી હાલમાં એનઆઈએના હાથે ઝડપાયા હતા.

Share This Article