- મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા
- ૯ ફેબ્રુઆરીએ રિલિઝ થશે પેડમેન
અમદાવાદઃ અક્ષય કુમારની બહુપ્રતિક્ષીત ફિલ્મ પેડમેન ૯ ફેબ્રુઆરીએ દેશભરમાં રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે અક્ષય કુમાર અને દિગ્દર્શક આર. બાલ્કીએ અમદાવાદના રાણીપ સ્થિત પીવીઆર સિનેમાની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અહીં ફિલ્મની ઝલક નીહાળી જણાવ્યું કે મહિલા સશક્તિકરણ બાબતમાં ગુજરાત હંમેશાથી આગળ રહ્યું છે. ગુજરાતના પૂર્વમુખ્ય મંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર મહિલા તથા બાળ કલ્યાણ મંત્રાલયની રચના કરી હતી. તેમણે અક્ષય કુમારનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરનારી ફિલ્મ લઇને તેઓ આવ્યા છે તેમનું સ્વાગત છે. ફિલ્મને કર મુક્ત કરવા વિશેની દિશામાં વિચારવામાં આવશે.
ફિલ્મના પ્રમોશનમાં અક્ષય કુમારે જણાવ્યું કે દેશની તમામ મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરે અને પોતાના સ્વાસ્થ્યની કાળજી કરે. એ સમય ચોક્કસ આવવો જોઇએ જ્યારે કોઇ છોકરી પોતાના પીરીયડમાં આવે ત્યારે તેના પિતાને ફોન કરી કહી શકે કે ઓફિસથી આવતાં સમયે સેનેટરી પેડ લેતા આવજો.
પ્રમેશનમાં મહિલા બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબહેન દવે પણ ઉપસ્થિત રહ્યાં હતા.
પેડમેન ફિલ્મ મુખ્યત્વે કોમેડી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ મહિલાઓને પિરીયડ દરમિયાન આવતી તકલીફોને દર્શાવે છે. આ ફિલ્મ મહિલાઓના સમ્માનની વાર્તા જણાવે છે. રિયલ પેડમેન મુરુગનથમની વાસ્તવિક વાર્તાથી પ્રેરિત પેડમેનની ભૂમિકા રીલ લાઇફમાં અભિનેતા અક્ષય કુમારે ભજવી છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં અક્ષય કુમાર (લક્ષ્મીકાન્ત ચૌહાણ), સોનમ કપૂર (ગાયત્રી) અને રાધિકા આપ્ટે છે. આ ફિલ્મ અરુણાચલમ મુરુગનથમની વાસ્તવિક વાર્તાથી પ્રેરિત છે, જેમણે ઓછા ખર્ચ વાળા સેનેટરી પેડ બનાવવાની મશીનની શોધ કરી હતી. મુરુગનાનથમે એક એવા મશીનની શોધ કરી હતી જે સેનેટરી નેપકીન્સ ઓછા ભાવમાં ઉત્પાદિત કરતી હતી. તેમને આ આવિષ્કાર માટે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં.
અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પણ આ ફિલ્મને પ્રોડ્યુસ અને નિર્દેશિત કરી રહી છે. ટ્વિંકલ ખન્નાના દ્વિતિય પુસ્તક ધ લેજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદના છેલ્લા ભાગનો પણ આ ફિલ્મની વાર્તામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આર બાલ્કી દ્વારા નિર્દેશિત અને લેખિત આ ફિલ્મનું સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે.
અલગ વિષય વસ્તુ ધરાવતી આ ફિલ્મ ૯ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.