મુંબઇ : લોકપ્રિય બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા દુનિયાભરમાં સૌથી વધારે કમાણી કરનાર કલાકારોની યાદી જારી કરી દીધી છે. દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનાર કલાકારોની યાદીમાં અક્ષય કુમાર પણ સામેલ છે. આમાં ભારતમાંથી એકમાત્ર અક્ષય કુમાર જ સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યો છે.
આ યાદીમાં કોઇ સમય અમિતાભ બચ્ચન, શાહરૂખખાન, સલમાન ખાન અને આમીર ખાન જેવા કલાકારો સામેલ રહેતા હતા. હવે માત્ર અક્ષય કુમાર જ સામેલ રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં આ યાદીમાં અક્ષય કુમારે તમામ કલાકારોને પાછળ છોડી દીધા છે. અભિનેતા અક્ષય કુમાર આ યાદીમાં ૩૩માં સ્થાન પર રહ્યો છે. તેની વાર્ષિક કમાણી ૬૫ મિલિયન ડોલર અથવા તો આશરે ૪૪૪ કરોડ રૂપિયાની આસપાસ રહી છે. અક્ષય કુમારે કમાણીના મામલે હોલિવુડના ટોપ સ્ટાર રિહાના, જેકી ચાન, બ્રેડલી કુપર, સ્કારલેટ જાન્સનને પણ પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. યાદીમાં અક્ષય કુમાર રોબર્ટ ડાઉની જુનિયરની બિલકુલ નજીક પહોંચી ગયો છે. ફોર્બ્સની યાદીમાં સૌથી વધારે કમાણી કરનારમાં પ્રથમ સ્થાન પર અમેરિકી ગાયિકા ટેલર સ્વીફ્ટ છે.
તેની ગયા વર્ષની કમાણી ૧૮૫ મિલિયન ડોલર અથવા તો આશરે ૧૨૬૫ કરોડ રૂપિયા રહી છે. ટેલર સ્વીફ્ટ વર્ષ ૨૦૧૬થી જ પ્રથમ સ્થાન પર રહી છે. ટેલર સ્વીફ્ટ બાદ બીજા સ્થાન પર કાઇલી જેનર રહી છે. તેની કમાણી ૧૭૦ મિલિયન ડોલર અથવા તો ટેલરની નજીક રહી છે. કાન્યે વેસ્ટ ત્રીજા, ફુટબોલ સ્ટાર મેસ્સી ચોથા સ્થાને અને બ્રિટીશ સિંગર એડ શીરન પાંચમા સ્થાન પર છે. અક્ષય કુમાર બોલિવુડમાં પોતાની મહેનતથી આગળ આવ્યો છે.