વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા બાદ નરેન્દ્ર મોદીની સુનામીમાં તમામ રાજકીય પક્ષોના સુપડા સાફ થઇ ગયા બાદ તમામ પક્ષો પોત પોતાની રીતે આત્મમંથન કરી રહ્યા છે. હારના કારણો શોધી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશની તમામ ફોર્મ્યુલા ફ્લોપ સાબિત થઇ છે. અખિલેશ પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીની સાથે મળીને ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરવાની યોજના ધરાવતા હતા. પરંતુ તેમની તમામ યોજનાઓ અને ફોર્મ્યુલા પર પાણી ફરી વળ્યુ છે. મોદીની આંધીમાં અખિલેશ તો માત્ર તેમની પાર્ટી માટે પાંચ જ સીટ ૮૦ સીટ પૈકી જીતી શક્યા છે. તેમની પાર્ટીની મતહિસ્સેદારી ૧૭.૯૬ ટકાની આસપાસની રહી છે. અખિલેશ માયાવતીને બચાવી લેવાના પ્રયાસમાં હતા પરંતુ તેમની રાજકીય નૌકા ડુબી ગઇ છે.
મહાગઠબંધન કરીને લોકસભા ચૂંટણીમાં મોટા પડકાર ફેંકવાની વાત કરવામાં આવી રહી હતી. જા કે તેમના તમામ દાવા ખોટા સાબિત થયા છે. આ ગઠબંધનને માત્ર ૧૫ સીટો મળી છે. ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ૬૨ સીટો જીતી લીધી છે. તેની મતહિસ્સેદારી ૪૯.૯૬ ટકા રહી છે. અખિલેશ અને માયાવતી વચ્ચે ગઠબંધન હવે ટકી શકશે કે કેમ તેની ચર્ચા પણ છે. યુપીમાં પ્રયોગ ફ્લોપ રહ્યા બાદ હજુ સુધી કોઇ પ્રતિક્રિયા બંને પાર્ટી તરફથી આપવામાં આવી નથી. લોકસભાની ચૂંટણી વેળા રાજકીય રીતે દેશમાં સૌથી મહત્વપૂર્ણ એવા ઉત્તરપ્રદેશ પર તમામ સામાન્ય લોકો, રાજકીય પક્ષો અને રાજકીય પંડિતોની નજર હતી. ઉત્તરપ્રદેશમાં કોણ મેદાન મારશે તેની ચર્ચા હતી. ગઠબંધનને લઇને મોટી મોટી વાત થઇ રહી હતી. અહીં ભાજપને પરાજિત કરવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ હાથ મિલાવ્યા હતા. ગઠબંધન મારફતે માત્ર ઉત્તરપ્રદેશમાં જ નહીં બલ્કે સમગ્ર દેશમાં રાજનીતિ બદલવાની ગણતરી અખિલેશ અને માયાવતી દ્વારા કરવામાં આવી હતી.
ગોરખપુર અને ફલપુર ચૂંટણીમાં સાથે મળીને જીત મેળવી લીધા બાદ બંને પાર્ટી ગઠબંધન સાથે આગળ વધી હતી. તેમની યોજના ભાજપના નેટવર્કને ખતમ કરવાની હતી. વર્ષ ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે તમામ પાર્ટીઓનો સફાયો થયો હતો. વર્ષ ૨૦૧૪માં માયાવતીની હાલત તો ખુબ ખરાબ રહી હતી. કારણ કે પાર્ટી કોઇ પણ સીટ મેળવી શકી ન હતી. તે પોતાનુ ખાતુ પણ ન ખોલતા ચિંતાનુ મોજુ તેમના સમર્થકોમાં ફરી વળ્યુ હતુ. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીની હાલત કફોડી રહી હતી. લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીને એક પણ સીટ મળી ન હતી. જ્યારે સમાજવાદી પાર્ટીને પાંચ સીટો મળી હતી. વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી વેળા સમાજવાદી પાર્ટીએ સત્તા ગુમાવી દીધી હતી. જા કે તે બસપા કરતા વધારે મજબુત રહી હતી. છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે જારદાર સપાટો બોલાવ્યો હતો. તમામ રાજકીય પાર્ટીનો સફાયો થયો હતો. હવે સમાજવાદી પાર્ટી અને બસપા સામે ઉત્તરપ્રદેશમાં કેટલાક પડકારો રહેલા છે.
મહાગઠબંધન કરીને લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી મેદાનમાં ઉતરી હતી. જા કે તેમની તમામ ચાલ આખરે ઉંઘી પડી ગઇ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સામે તેમની કોઇ યોજના સફળ રહી નથી. અખિલેશ માયાવતી અને પોતાની પાર્ટીને બચાવવા માટે પ્રયાસમાં ઉતર્યા હતા. પરંતુ પોતે ડુબી ગયા છે. માયાવતીની હાલત પણ આવી થઇ છે. માયાવતી જાતિવાદી ગણતરી કરી રહ્યા હતા. બંને પાર્ટીને હવે ભાજપ સામે ટક્કર લેવા માટે કોઇ નવી જ યોજના પર કામ કરવુ પડશે. માયાવતી અને અખિલેશની તમામ યોજનાને સામાન્ય લોકો હવે સારી રીતે સમજી ગયા હોવાનો દાવો ભાજપ કરે છે.