લખનૌ : સમાજવાદી પાર્ટીએ પોતાના ચુંટણી અભિયાનને તીવ્ર કરતા આજે ૪૦ સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરી દીધી હતી. સાથે સાથે બે મહત્વપૂર્ણ સીટો ઉપર ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી હતી. છેલ્લી ચુંટણીમાં મુલાયમસિંહ યાદવની સીટ રહી ચુકેલી આઝમગઢમાંથી હવે તેમના પુત્ર અને પાર્ટી અધ્યક્ષ અખિલેશ ચુંટણી મેદાનમાં ઉતરશે. જ્યારે રામપુર સીટ પરથી સૌથી મોટા મુÂસ્લમ ચહેરા આઝમખાન ચુંટણી મેદાનમાં ઉતરશે. અલબત્ત સ્ટાર પ્રચારકોમાં પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવનું નામ સામેલ કરાયું નથી.
સ્ટાર પ્રચારકોની યાદીમાં અખિલેશ, ડિમ્પલ યાદવ, આઝમખાન, જયા બચ્ચન, રામગોપાલ સહિત અન્ય નેતાઓના નામ સામેલ છે પરંતુ મુલાયમસિંહનું નામ સામેલ નથી. સમાજવાદી પાર્ટી તરફથી જારી કરવામાં આવેલી નવી યાદીમાં માત્ર બે નામ સામેલ છે. જેમાં અખિલેશ યાદવ અને આઝમખાન સામેલ છે. મુલાયમસિંહ યાદવને મેનપુરીમાંથી ચુંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. અખિલેશની સીટને લઈને પહેલાથી જ ચર્ચા ચાલી રહી હતી. છેલ્લા બે દિવસથી એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં અખિલેશે સંકેત આપ્યો હતો કે તેઓ આઝમગઢની સીટ પરથી ચુંટણી લડી શકે છે.
આજે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. આઝમગઢને સમાજવાદી માટે ગઢ સમાન ગણવામાં આવે છે. આ સીટ ઉપર લાંબા સમયથી સમાજવાદી નેતાઓનું શાસન રહ્યું છે. ૭૦ના દશક સુધી આ સીટ ઉપર કોંગ્રેસનું શાસન હતું પરંતુ મોડેથી સમાજવાદીઓએ આ સીટ પર કબજા જમાવ્યો હતો. વચ્ચેના ગાળામાં સપા અને બસપા વચ્ચે પણ આ સીટ પહોંચી હતી. ૨૦૦૯માં આ સીટ ઉપર ભાજપે પણ જીત મેળવી હતી. ૨૦૧૪માં મોદી લહેર હતી ત્યારે પણ અખિલેશના પિતા મુલાયમસિંહ આ સીટ પરથી જીતી ગયા હતા.