ચંદીગઢઃ વર્ષ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો મુદ્દે નિવેદનને લઈને રાહુલ ગાંધી વિવાદોના ઘેરામાં આવી ગયા છે. એકબાજુ પાર્ટીને ખુલાસા કરવાની ફરજ પડી રહી છે. જ્યારે બીજી બાજુ વિપક્ષ તેમના પર સતત પ્રહાર કરવામાં વ્યસ્ત છે. હવે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલે રાહુલ ગાંધી ઉપર પ્રહાર કર્યા છે.
બાદલે કહ્યું છે કે રાહુલે આ નિવેદન મારફતે સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે તેઓ એવા લોકોની સાથે છે જે લોકોએ ૧૯૮૪માં માસુમ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદલે કહ્યું હતું કે રાહુલના આ નિવેદનથી રમખાણ પીડિતોના ઘા ઉપર મીઠુ ઉમેરાઈ ગયું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બ્રિટનમાં કહ્યું હતું કે ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસ પાર્ટીની કોઈ ભૂમિકા ન હતી. રાહુલે કહ્યું હતું કે આ રમખાણો ખૂબ જ પીડાજનક હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટીની તેમાં કોઈ અપરાધિક સંડોવણી ન હતી.
રાહુલના આ નિવેદન બાદથી તેમના ઉપર પ્રહાર થઈ રહ્યા છે. પાર્ટીએ પણ ખુલાસા કર્યા છે. રાહુલના બચાવમાં ચિદમ્બરમ મેદાનમાં ઉતર્યા હતા. ચિદમ્બરમ કહી ચુક્યા છે કે જ્યારે આ બનાવ બની રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી. આને લઈને મનમોહનસિંહ માફી પણ માંગી ચુક્યા છે. રાહુલ ગાંધીને આના માટે જવાબદાર ઠેરવી શકાય નહીં કારણ કે તે વખતે તેઓ ૧૩ થી ૧૪ વર્ષના હતા. રાહુલ ગાંધીએ હાલમાં કહ્યું હતું કે શીખ વિરોધી રમખાણ પીડાજનક દુર્ઘટના હતી. કોઈપણ વ્યક્તિ સામે કોઈપણ પ્રકારની હિંસામાં સામેલ રહેલા લોકો માટે સજા સો ટકા હોવી જાઈએ.
૧૯૮૪માં શીખ રમખાણોમાં ત્રણ હજાર શીખ લોકોના મોત થયા હતા. તેમના શીખ બોડીગાર્ડ દ્વારા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરી દેવામાં આવ્યા બાદ રમખાણો ભડકી ઉઠ્યા હતા. તે વખતે કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સત્તામાં હતી. રાહુલે ગઈકાલે સ્થાનિક લોકો અને સંસદ સભ્યોની ઉપસ્થિતિમાં આ મુજબની વાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ સામે થયેલી હિંસા અયોગ્ય છે. આને લઈને ભારતમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ જ્યાં સુધી તેમને યાદ છે તેઓ માને છે કે કોઈપણ ખોટુ કામ કરનાર સામે સજાની જોગવાઈ હોવી જાઈએ.
રાહુલ ગાંધીએ ગઈકાલે નિવેદન કર્યા બાદથી દેશની રાજનીતિમાં હોબાળો મચી ગયો છે. રાહુલે કહ્યું હતું કે જ્યારે મનમોહનસિંહ બોલી રહ્યા હતા ત્યારે અમે તમામ વાત સમજવાના પ્રયાસમાં હતા. રાહુલે ૧૯૯૧ના એલટીટીઈ દ્વારા પૂર્વ વડાપ્રધાન અને તેમના પિતા રાજીવ ગાંધીની હત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગાંધીએ કહ્યું છે કે હિંસાને કોઈપણ સ્થાન નથી.