નવીદિલ્હી: પૂર્વ કેન્દ્રીયમંત્રી એકે એન્ટોનીએ આજે રાફેલ સોદાબાજીને લઇને એનડીએ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે રાફેલ વિમાન સોદાબાજીમાં પ્રક્રિયાનો ઉલ્લંઘન કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન ઉપર આક્ષેપ કર્યા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી એકે એન્ટોનીએ પ્રશ્ન કર્યો હતો કે, આખરે સરકાર સંયુક્ત સંસદીય સમિતિથી બચીને કઈ બાબત છુપાવવાના પ્રયાસ કરી રહી છે. એન્ટોનીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આ સરકાર કહી રહી છે કે, તેમની સોદાબાજી સસ્તી છે. જા સોદાબાજી સસ્તી રહી છે તો માત્ર ૩૬ વિમાનો જ કેમ ખરીદવામાં આવ્યા છે જ્યારે હવાઈ દળની હાલની જરૂરિયાત ૧૨૬ વિમાનોની છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની નિર્માણ ક્ષમતા ઉપર પ્રશ્નો ઉઠાવવાના સીતારામનના નિવેદનનો ઉલ્લેખ કરતા પણ પ્રહાર કર્યા હતા. એન્ટોનીએ આક્ષેપ કર્યો હતો કે, સંરક્ષણમંત્રી આ પ્રકારના નિવેદનથી જાહેર ક્ષેત્રની એકમની પ્રતિષ્ઠા ખરડવાના પણ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, વિમાનો અને હથિયારોની જરૂરિયાત અંગેનો ચુકાદો સંરક્ષણ મંત્રીના નેતૃત્વમાં સંરક્ષણ ખરીદી પરિષદ દ્વારા કરવામાં આવે છે પરંતુ મોદીએ પેરિસ જઇને ૧૨૬ વિમાનોની સોદાબાજીને ૩૬ વિમાનોની સોદાબાજીમાં ફેરવી કાઢી હતી.
પૂર્વ સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાને સંરક્ષણ ખરીદી પ્રક્રિયાનો ખુલ્લીરીતે ભંગ કર્યો હતો.એન્ટોનીએ કહ્યું હતું કે, સંરક્ષણ મંત્રી કહી રહ્યા છે કે, એચએએલની નિર્માણ ક્ષમતા એટલી નથી કે તે ૩૬ રાફેલ વિમાનો બનાવી શકે. એમ કહીને તેઓ પ્રતિષ્ઠિત કંપનીની પ્રતિષ્ઠાને પણ ખરડવાના પ્રયાસ કરી રહ્યા છે. એન્ટોનીએ કહ્યું હતું કે, તે વખતે લાઈફ સાયકલ કોસ્ટ ઉપર નાણામંત્રાલય દ્વારા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવાઈ દળે વર્ષ ૨૦૦૦માં ૧૨૬ વિમાનોની જરૂરિયાત દર્શાવી હતી પરંતુ હવે આ વિમાન ૨૦૩૦ સુધી જ બની શકશે.