સંસ્કૃતિની ઝલકો અજમેર ઇન્ટરસીટી ટ્રેન પર દેખાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : અમદાવાથી અજમેર વચ્ચે દોડતી લોકપ્રિય ઇન્ટરસીટી ટ્રેનમાં હવે રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિની ઝલક જાવા મળશે. હાલમાં સાબરમતી સ્ટેશન પર આ ટ્રેનના બે કોચ ઉપર પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. નવીદિલ્હીથી બિહાર સુધી જતી સંપર્ક ક્રાંતિની જેમ જ હવે ઇન્ટરસીટી ઉપર પેઇન્ટિંગ કામગીરી ચાલી રહી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને રાજસ્થાનની પેઇન્ટિંગ દ્વારા કલા સંસ્કૃતિને ઉજાગર કરવાનો રહેલો છે. આગામી સપ્તાહ સુધી અમદાવાદ અજમેર ઇન્ટરસીટી ટ્રેનમાં આ નવા કોચને મુકી દેવામાં આવશે જે અજમેર જતાં શ્રદ્ધાળુઓને વધારે આકર્ષિત કરશે.

આ ટ્રેન રાજસ્થાન અને ગુજરાત વચ્ચે દોડે છે જેમાં ગુજરાતની ભવાઈ, રંગોળી અને એશિયન સિંહના ચિત્ર બનાવવામાં આવ્યા છે જ્યારે રાજસ્થાનના રજવાડા, આમેરના કિલ્લા, શાહી સવારીને રજૂ કરવામાં આવી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આની અંદર વધુ આકર્ષણ ઉમેરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ટ્રેનના કોચમાં ગુજરાતના પેઇન્ટિંગ છે જેમાં ગ્રામિણ સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે. ગુજરાતના ચિત્રોમાં કચ્છી મહિલાઓ નજરે પડે છે. એશિયન સિંહને પણ દર્શાવવામાં આવ્યા છે. એશિયન સિંહ જુનાગઢના ગીર જંગલોમાં અભ્યારણમાં છે જે ગુજરાતની ખાસ ઓળખ તરીકે છે. પરંપરાગત કાઠિયાવાડી વેષભૂષામાં મહિલાઓ અને પુરુષોને ગરબા રમતા દર્શાવવામાં આવ્યા છે. આ તમામ બાબતો આકર્ષણ જમાવે છે.

આગામી દિવસોમાં આ ટ્રેનને લઇને વધુ ચર્ચા જોવા મળી શકે છે. રાજસ્થાની વેષભૂષામાં મહિલાઓને પણ દર્શાવવામાં આવી છે. ટ્રેનના અન્ય ૧૪ કોચમાં પણ આવી જ સુવિધા ગોઠવવામાં આવશે. હાલમાં બે કોચમાં પેઇન્ટિંગની કામગીરી ચાલી રહી છે જેને આગામી દિવસોમાં વધારવામાં આવશે અને તમામ ૧૪ કોચમાં પેઇન્ટિંગ બનાવાશે.

Share This Article