નવીદિલ્હી : બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હવાઈ હુમલા પછી પાકિસ્તાનમાંથી કરવામાં આવતી ઘુસણખોરીમાં ૪૩%નો ઘટાડો થયો છે. સરકારે સંસદમાં આ વાત જણાવી છે. ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા એક જવાબમાં જણાવાયું છે કે, ભારતીય સુરક્ષા દળોની કડક કાર્યવાહીના કારણે જન્મુ-કાશ્મીરમાં વર્ષ ૨૦૧૮ની સરખામણીએ વર્ષ ૨૦૧૯ના પ્રથમ છ મહિનામાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો થયો છે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં એક સવાલના જવાબમાં જણાવ્યું કે, “સરહદ પારની ઘુસણખોરી બાબતે સરકારે ‘ઝીરો ટોલેરન્સ’ નીતિ અખત્યાર કરેલી છે.
ભારતીય સુરક્ષા દળોની કડક કાર્યવાહીના કારણે જન્મુ-કાશ્મીરમાં વર્ષ ૨૦૧૮ની સરખામણીએ વર્ષ ૨૦૧૯ના પ્રથમ છ મહિનામાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો થયો છે. પાકિસ્તાનમાંથી ભારતમાં થતી ઘુસણખોરીમાં ૪૩%નો ઘટાડો નોંધાયો છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “ભારત સરકારે રાજ્ય સરકાર સાથે મળીને સરહદ પારથી કરવામાં આવતી ઘુસણખોરી રોકવા માટે વિવિધ પક્ષીય પગલાં લીધાં છે. જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ, નિયંત્રણ રેખા પર ત્રીસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સાથે જ સરહદ ઉપર તારની વાડ ઊભી કરવી, ઈન્ટેલિજન્સ વ્યવસ્થા વધુ ગાઢ કરવી, સુરક્ષા દળોને પુરતા સાધનો ફાળવવા અને સુરક્ષા દળો વચ્ચે કો-ઓર્ડિનેશન પણ મજબૂત બનાવવામાં આવ્યું છે.”
ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર ભવિષ્યમાં ભારત દ્વારા વધુ શક્તિશાળી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને તેના લશ્કરી થાણાઓની સુરક્ષા વધુ સઘન બનાવી દીધી છે અને સાથે જ સરહદ ઉપર નીરિક્ષણ પણ વધારી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના દ્વારા ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના તાલીમી ઠેકાણાઓ ઉપર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.