નવી દિલ્હી : એર માર્શલ અમરપ્રીત સિંહ હવે ભારતીય વાયુસેનાની કમાન સંભાળશે. સરકારે અમરપ્રીત સિંહને એરફોર્સ ચીફ તરીકે નિયુક્ત કર્યા છે, તેઓ વીઆર ચૌધરીની જગ્યા લેશે. હાલમાં અમરપ્રીત સિંહ વાયુસેનાના ડેપ્યુટી ચીફની જવાબદારી નિભાવી રહ્યા છે. અમરપ્રીત સિંહ 30 સપ્ટેમ્બરે એર ચીફ માર્શલનું પદ સંભાળશે. તેઓ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીની જગ્યા લેશે જેઓ એ જ દિવસે તેમનો કાર્યકાળ પૂરો કરીને નિવૃત્ત થશે.
એર માર્શલ અમરપ્રીત સિંહનો જન્મ 27 ઓક્ટોબર 1964માં થયો હતો. તેમને 1 ફેબ્રુઆરી 2023ના રોજ વાયુસેનાના 47માં નાયબ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એર માર્શલે વર્ષ 1984માં એરફોર્સમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેઓ એક પછી એક સફળતા પ્રાપ્ત કરતા રહ્યા.
અમરપ્રીત સિંહને 21 ડિસેમ્બર 1984ના રોજ એરફોર્સની ફાઈટર શાખામાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે ઈસ્ટર્ન એર કમાન્ડમાં વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર તરીકે સેવા આપી હતી, ત્યારબાદ તેમણે સેન્ટ્રલ એર કમાન્ડની કમાન પણ સંભાળી હતી. એર માર્શલે તેમની કારકિર્દીમાં ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી છે, તેઓ મિગ-27 સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર તેમજ એર બેઝના એર ઓફિસર કમાન્ડિંગ રહ્યા છે. તેઓ નેશનલ ફ્લાઇટ ટેસ્ટ સેન્ટરમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર (ફ્લાઇટ ટેસ્ટ) પણ હતા અને તેમને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, તેજસના ફ્લાઇટ ટેસ્ટની જવાબદારી સોંપવામાં આવી હતી. એર માર્શલ અમરપ્રીત સિંહે નેશનલ ડિફેન્સ એકેડમી, ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજ, વેલિંગ્ટનમાં અભ્યાસ કર્યો છે. એર માર્શલ અમરપ્રીત સિંહને તેમની કારકિર્દી દરમિયાન ઘણા મેડલ આપવામાં આવ્યા હતા. તેમને વર્ષ 2019માં અતિ વિશેષ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વર્ષ 2023 માં તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો.