એર ઈન્ડિયાની અમૃતસર-દિલ્હી ફ્લાઇટ ખરાબ હવામાનના પગલે ગંભીર અકસ્માતથી માંડ માંડ ઉગરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એર ઈન્ડિયાની અમૃતસરથી દિલ્હી જતી ફ્લાઇટ ૧૫ હજાર ફૂટની ઊંચાઈએ ખરાબ હવામાનના કારણે ડગમગવાનું શરૂ થતાં ૨૪૦ મુસાફરના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ ફ્લાઇટ બારેક મિનિટ સુધી સતત ખોડંગાતી રહી હતી, જેના પગલે અંદર તરફની વિન્ડો પેનલ તૂટી ગઈ હતી.

આ દુર્ઘટનામાં ત્રણ મુસાફરને સામાન્ય ઇજા થઇ હતી. હકીકતમાં આ ઘટના ૧૯મી એપ્રિલે બની હતી, પરંતુ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને આ વાતની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ કરતા આ દુર્ઘટનાનો અહેવાલ મીડિયા સમક્ષ આવ્યો હતો. એર ઈન્ડિયાએ હજુ સુધી આ  દુર્ઘટના મુદ્દે સત્તાવાર નિવેદન આપ્યું નથી.

એર ઈન્ડિયા અમૃતસરથી દિલ્હી વચ્ચે બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે, જેણે ૧૯મી એપ્રિલે અમૃતસરથી ઉડાન ભરી હતી. ત્યાંથી નવી દિલ્હી એરપોર્ટની મુસાફરી ફક્ત ૩૫ મિનિટની હોય છે. આ દરમિયાન મોટા ભાગના મુસાફરોએ સાક્ષાત મોતનો અનુભવ કર્યો હતો. બોઇંગ ૭૮૭ને ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં જોરદાર ઝટકા લાગવાનું શરૃ થયું હતું.

આ ટર્બલન્સ (હવામાં તેજ ઝટકા)ના કારણે જ ત્રણ મુસાફરને ઇજા થઇ હતી. આ ત્રણેય મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર ફર્સ્ટ એઇડ કરીને રવાના કરી દેવાયા હતા. આ ઘટના વિશે કોઇ મુસાફરે પણ ફરિયાદ કરી ન હતી. હાલ આ દુર્ઘટનામાં એર ઈન્ડિયાની સાથે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ પણ તપાસ કરી રહ્યું છે.

Share This Article