નેપાળ એરલાઈન્સનું પ્લેન અને એર ઈન્ડિયાનું પ્લેન અધવચ્ચે ટકરાતા બચી ગયું હતું. માહિતી મળતાની સાથે જ પાયલોટ એક્શનમાં આવી ગયા હતા અને મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ શુક્રવારે નેપાળમાં એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના વિમાનો વચ્ચે અથડામણ થવાની હતી. ત્યારે જ વોર્નિંગ સિસ્ટમે પાઇલોટ્સને એલર્ટ કર્યા અને તેમના તાત્કાલિક પગલાંથી મોટી દુર્ઘટના ટળી હતી. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી ‘CAAN’ એ બેદરકારીના આરોપસર એર ટ્રાફિક કંટ્રોલ વિભાગના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
CAANના પ્રવક્તા જગન્નાથ નિરુલાએ આ જાણકારી આપી. શુક્રવારે સવારે મલેશિયાના કુઆલાલંપુરથી કાઠમંડુ જતી નેપાળ એરલાઈન્સની ફ્લાઈટ અને નવી દિલ્હીથી કાઠમંડુ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ વચ્ચે ટક્કર થવાની હતી. નિરુલાએ કહ્યું કે એર ઈન્ડિયાનું વિમાન ૧૯,૦૦૦ ફૂટની ઊંચાઈએથી નીચે આવી રહ્યું હતું જ્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન તે જ સમયે ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે જ્યારે રડાર પર બતાવવામાં આવ્યું કે બે એરક્રાફ્ટ આસપાસમાં છે, ત્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન ૭,૦૦૦ ફૂટની ઉંચાઈએ નીચે ઉતર્યું. સિવિલ એવિએશન ઓથોરિટીએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. CAAN એ ઘટના સમયે કંટ્રોલ રૂમનો હવાલો સંભાળતા બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. આ ઘટના અંગે એર ઈન્ડિયા તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.