મુખ્ય મંત્રીએ આજે અમદાવાદ એરપોર્ટથી ‘અમદાવાદ-મુંદ્રા’ વચ્ચેની પ્રથમ વિમાની સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, દેશનો આમ આદમી હવાઇ સફર કરી શકે તે માટે ‘ઉડે દેશકા આમ નાગરિક’ના ભાવ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ‘ઉડાન’ સેવા શરૂ કરાઇ છે. આ યોજનાનો મહત્તમ લાભ રાજ્યના નાગરિકોને મળે તેવો રાજ્ય સરકારનો ધ્યેય છે. રિજ્યોનલ કનેક્ટીવીટી વધે તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એર ઓડિશાએ ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત આ સેવાનો પ્રારંભ કર્યો છે. એર ઓડીશાએ ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (જી.એસ.ઇ.સી.), મોનાર્ક ગુ્પ અને એર ડેક્કનનું સંયુક્ત સાહસ છે.
મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, વિમાની પ્રવાસ એ આમ આદમીનું સ્વપ્ન હોય છે. દેશનો આમ નાગરિક સસ્તા દરે હવાઇ પ્રવાસ કરી શકે તે કેન્દ્ર સરકારનો ધ્યેય છે. ગુજરાત સરકાર સિવિલ એવીએશન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે રિજ્યોનલ કનેક્ટીવીટી સ્કીમ માટે ત્રિપક્ષી કરાર થયા છે. આવા કરાર કરનારા રાજ્યો પૈકી ગુજરાત પણ એક છે. રિજ્યોનલ કનેક્ટીવીટી સ્કીમ – ઉડાનમાં દેશના ૧૯ રાજ્યો અને ૩ કેન્દ્રશાસીત પ્રદેશોને લાભ મળી રહ્યો છે.
આજે એર ઓડીશાએ શરૂ કરેલી અમદાવાદ – મુંદ્રા હવાઇ સેવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના શહેરો વચ્ચેની આ સેવાનો લાભ આમ આદમીને પણ મળી શકશે. ‘ઉડાન’ યોજના અંતર્ગત દેશના ૪૦૦ એરપોર્ટને જોડવાની એક ઝુંબેશ છે. જેમાં ગુજરાતના ૧૦ એરપોર્ટનો સમાવેશ છે ત્યારે આ યોજનાનો મહત્તમ લાભ ગુજરાતને મળશે એમ તેમણે ઉમેર્યું હતું.
એર ડેક્કનના સ્થાપક કેપ્ટન જી.આર.ગોપીનાથે જણાવ્યું હતું કે, ભારત સરકારે ‘ઉડાન’નું ઉઠાવેલું કદમ દેશના નાગરિકોને અત્યંત રાહત દરે પ્રાદેશિક હવાઇ સેવા પૂરી પાડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના આમ આદમીને હવાઇ સફર કરાવવાનું સેવેલું સ્વપ્ન આ યોજનાથી પૂર્ણ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એર ઓડીશાના એમ.ડી. શૈશવ શાહ, કરણ અદાણી, અગ્ર સચિવ એસ.જે.હૈદર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.