ગુજરાતને જેને ગ્લોબલ ઓળખ અપાવી છે તેવા ગરબાના ઉત્સવને ઘામધૂમથી ઉજવવા માટે દર વર્ષે વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટીવલ ઉજવવામાં આવે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતેથી તા. 3 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-2024’નો શુભારંભ કરાશે. મુખ્યમંત્રીની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંધવી પણ ઉપસ્થિત રહેશે.
વર્ષ-2022માં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા -GMDC અમદાવાદ, ખાતે આયોજિત ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ’માં અંદાજિત 11.52 લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ-2023માં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા GMDC, અમદાવાદ ખાતે આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજિત 12.71 લાખથી વધુ નાગરિકોએ મહોત્સવ સ્થળની મુલાકાત લીધી હતી, એટલે કે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં છેલ્લા બે વર્ષમાં મુલાકાતીઓની સંખ્યામાં અંદાજિત 11 ટકાનો વધારો જોવા મળ્યો હતો તેમ, પ્રવાસન વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વધુમાં આ વર્ષે ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-2024’ના ઉદઘાટન સમારોહ દરમિયાન ‘જય માં આદ્યાશક્તિ’ની થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહા આરતી યોજાશે. આ ઉપરાંત તા. 4 થી 11 ઓક્ટોબર દરમિયાન રાત્રે 9 વાગ્યાથી 11.45 કલાક સુધી ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો દ્વારા અનેક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. GMDC ખાતે રાત્રે 11.45 કલાકે મહા આરતી યોજાશે. વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલમાં થીમ પેવેલિયન, હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, બાલ નગરી, વિવિધ થીમ આધારીત ગેટ વગેરે જેવા મુખ્ય આકર્ષણો પણ બનાવવામાં આવ્યા છે જેની નાગરિકોને મુલાકાત લેવા પ્રવાસન નિગમની યાદીમાં જણાવાયું છે.