અમદાવાદ : શહેરના નારણપુરા એઇસી બ્રીજ નીચે સવાર, બપોર અને સાંજના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો હવે પોલીસ અને આ રસ્તાપરથી પસાર થતા વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. નારણપુરા એઇસી બ્રીજ નીચે એટલી હદે ટ્રાફિક ચક્કાજામ સર્જાય છે કે, લોકોના કલાકો બગડી જાય છે અને ઇમરજન્સીમાં મહત્વના કામો અટવાઇ પડે છે. એટલે સુધી કે, આ રસ્તા પરથી પસાર થતી એમ્બ્યુલન્સ અનેફાયરબ્રિગેડના વાહનોને પસાર થવામાં પણ લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ છે. વાત આટલેથી અટકતી નથી એઇસી બ્રીજ નીચેના ટ્રાફિક ચક્કાજામને લઇ પોલીસ અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ અને મારામારીના બનાવો વધતા જાય છે.
ગઇકાલે સવારે જ નાયબ મામલતદારની કારને અન્યકાર ચાલકે ટક્કર મારી નુકસાન પહોંચાડયુ હતું અને બાદમાં મામલો વણસતાં અંધજનમંડળ પાસે આ કારચાલક દ્વારા છરી વડે નાયબ મામલતદાર પર હુમલો કરી તેમને ઇજા પહોંચાડી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. નાયબ મામલતદારે આ ઘટના અંગે શહેરના વસ્ત્રાપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રત્નદીપ ટાવરમાં રહેતા અને માતરમાં નાયબમામલતદાર તરીકે ફરજ બજાવતાં સુહાગભાઇ બારોટ ગઇકાલે સવારે માતર જવા માટે ઘાટલોડિયા તેમના ઘરેથી કારમાં નીકળ્યા હતા, ત્યારે સિગ્નલ બંધ હોવાથી સુહાગભાઇ એઇસી બ્રીજ નીચે પોતાની કાર ઉભી રાખી ઉભા હતા ત્યારે અન્ય એક કારચાલક પૂરઝડપે ત્યાં આવી તેમની કાર સાથે અથડાયો હતો. એટલું જ નહી, કારચાલક સુહાગભાઇની કારને નુકસાન કરી ત્યાંથી કાર લઇ ૧૩૨ ફુટનારીંગરોડ પર અંધજન મંડળ તરફ ભાગ્યો હતો. ત્યારે સુહાગભાઇએ આ કારચાલકની કારનો પીછોકરી તેને અંધજનમંડળ પાસે આંતર્યો હતો. એ વખતે કારમાંથી બે યુવકો અને અન્ય ત્રણમહિલાઓ ઉતરીને સુહાગભાઇ સાથે માથાકુટ કરી હતી.
કારચાલકને કોઇ મરણપ્રસંગમાં જવાનું હોવાથી નુકસાન બદલ રૂપિયા આપીને સુહાગભાઇને વાત પતાવવા કહ્યું હતું પરંતુ સુહાગભાઇએ રૂપિયા લેવાનો ઇનકાર કરી મરણપ્રસંગમાં જવા માટે બીજાની જીંદગીને નુકસાન થાય તેવું શું કામ કરો છો તેવો ઠપકો આપ્યો હતો, જેથી ઉશ્કેરાઇ કારચાલક અને તેની સાથેની ત્રણ મહિલાઓએ સુહાગભાઇ સાથે બબાલ કરી તેમને માર માર્યો હતો. આ દરમ્યાન આવેશમાં આવી કારચાલક શખ્સે કારમાંથી એક છરી કાઢીને સુહાગભાઇના ગાલ પર હુમલો કરી દીધો હતો, જેને લીધે તેમના ગાલમાંથી લોહી નીકળવા લાગ્યુ હતું અને પછી કારચાલક શખ્સ અને મહિલા ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં નાયબ મામલતદાર સુહાગભાઇએ આ સમગ્રબનાવ અંગે વસ્ત્રાપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી,જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.